સુપ્રીમ કોર્ટમાં પણ અનામત નીતિ લાગુ, SC/ST કર્મચારીઓને 22.5% ક્વોટા મળશે
દેશની સર્વોચ્ચ અદાલતમાં પ્રથમવાર કર્મચારીઓ માટે સીધી ભરતી અને પ્રમોશનમાં અનામત નીતિ લાગુ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 24 જૂને કર્મચારીઓને પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં આ માહિતી આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સીધી ભરતી અને પ્રમોશન માટે ઈચ્છુક અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના કર્મચારીઓને અનામતનો લાભ મળી શકશે.
સીધી ભરતી પ્રક્રિયામાં એસસી અને એસટીને લાબ આપવા માટે 200 પોઈન્ટની રોસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. કોર્ટે Supnet પર પરિપત્ર અપલોડ કરી, તેમાં કહ્યું છે કે, પરિપત્ર 23 જૂન-2025થી લાગુ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ માટે અનામત નીતિ લાગુ કરવાનો આ પ્રથમ મામલો છે. આમ તો સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂંકમાં કોઈપણ પ્રકારનો અનામત લાગુ થતો નથી, જોકે તેમ છતાં તેમની નિમણૂકમાં તમામ વર્ગ અને તમામ ક્ષેત્રના પ્રતિનિધિત્વનું ધ્યાન રાખવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ મૉડલ રોસ્ટર મુજબ, અનુસૂચિત જાતિના કર્મચારીઓને 15 ટકા અનામત અને અનુસૂચિત જનજાતિના કર્મચારીઓને 7.5 ટકા અનામત મળશે. નવા નિયમને નિમણૂક અને પ્રમોશન બંનેમાં આવરી લેવાયા છે. આ નવી નીતિનો લાભ રજિસ્ટ્રાર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ અને ચેમ્બર એટેન્ડન્ટ જેવા પદો પર કામ કરતા કર્મચારીઓને મળશે.
કોર્ટના પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ‘જો કોઈ કર્મચારીને રોસ્ટર અથવા રજિસ્ટરમાં કોઈપણ ભૂલ અથવા વિસંગતતા લાગતી હોય તો, તેઓ રજિસ્ટ્રારને સૂચના આપી શકે છે. નીતિનો ઉદ્દેશ્ય પારદર્શિતા લાવવાનો અને તમામ કર્મચારીઓની ચિંતાઓનું સમધાન કાઢવાનો છે. સુપ્રીમ કોર્ટે પોતાના કર્મચારીઓ માટે આ અનામત નીતિ સત્તાવાર રીતે પ્રથમ લાગુ કરી છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં અનામત વર્ષોથી લાગુ છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં આ ફેરફારને એક મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.