ઠાકરે બંધુઓનું પુનર્મિલન, જો તમે અમને ગુંડા કહો છો, તો હા અમે ગુંડા છીએ : ઉદ્ધવ ઠાકરે
મુંબઈમાં એક મંચ પર આવેલા ઠાકરે ભાઈઓને જોઇ લો. છેલ્લા બે દાયકાથી એકબીજાની વિરુદ્ધમાં બોલતા આ બંને ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આજે પોતાના સ્વાર્થ માટે એક મંચ પર જોવા મળ્યા છે.
વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે, સત્તા માટે નેતાઓ કઇ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે, જેનું તાજું ઉદાહરણ જોવું હોય તો તે મુંબઈમાં એક મંચ પર આવેલા ઠાકરે ભાઈઓને જોઇ લો. છેલ્લા બે દાયકાથી એકબીજાની વિરુદ્ધમાં બોલતા આ બંને ભાઈઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આજે પોતાના સ્વાર્થ માટે એક મંચ પર જોવા મળ્યા છે.
મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં એક નવા વળાંક પર આવી પહોંચ્યું છે. બે દાયકા બાદ શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે એક મંચ પર આવ્યા, જે રાજ્યના રાજકીય અને સામાજિક વાતાવરણમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે. આ ઐતિહાસિક પુનર્મિલનનું કારણ છે મરાઠી ભાષા અને અસ્મિતાને લઈને ચાલતો વિવાદ, જેમાં મહાયુતિ સરકારની ત્રણ ભાષા નીતિનો વિરોધ કરવામાં આવ્યો. પરંતુ આ વિવાદે ગુજરાતી સમુદાય સાથેના સંબંધોને પણ ચર્ચામાં લાવ્યા છે, જેમાં ઠાકરે બંધુઓની નીતિઓ અને MNS ના કાર્યકરોની કથિત ગુંડાગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.
5 જુલાઈ, 2025ના રોજ મુંબઈના વર્લીમાં આયોજિત ‘અવાજ મરાઠીચા’ નામની રેલીમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે બે દાયકા બાદ એકસાથે જોવા મળ્યા. આ રેલીનું આયોજન મહાયુતિ સરકારે પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાનો નિર્ણય પાછો ખેંચ્યા બાદ થયું હતું. ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયને મરાઠી સમુદાયની એકતાની જીત ગણાવી, જ્યારે રાજ ઠાકરેએ પણ મરાઠી અસ્મિતાને સાચવવાનો સંદેશ આપ્યો. આ રેલીમાં મુંબઈના લાલબાગ, પરેલ, દાદર અને વરલી વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા, જેમાં બંને નેતાઓને શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે સાથે દર્શાવીને ‘મરાઠી એકતા’ પર ભાર મૂકાયો. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે કે શું આ એકતા માત્ર મરાઠી ભાષાના મુદ્દે સીમિત રહેશે, કે પછી આ ભાજપ વિરોધી વ્યૂહરચનાનો ભાગ છે. નિષ્ણાતો માને છે કે આ પુનર્મિલન મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ હોઈ શકે છે.
છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ સામે થતા દૂરવ્યવહાર અને હુમલાઓ માટે રાજ ઠાકરેની નેતાગીરી અને મનસેના કાર્યકરોની ગુંડાગીરીને જવાબદાર ગણાવાઈ રહી છે. સૂત્રોની માનીએ તો હવે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ પર થઇ રહેલા હુમલાને લઇને લોકો ઠાકરેભાઈઓના વિરોધમાં આવી રહ્યા છે. તેમના મતે ચૂંટણીના સમયે ગુજરાતી અને મારવાડી સમુદાયો પાસેથી વોટ અને આર્થિક સમર્થન માંગતા રાજકીય પક્ષો, બાકીના સમયે તેમની સામે જાતિવાદી વલણ અપનાવે છે, જે ઠાકરે બંધુઓની સત્તા મેળવવાની લાલસાને દર્શાવે છે. બાલાસાહેબ ઠાકરેના સમયમાં શરૂ થયેલી આ વિભાજનકારી રાજનીતિ, સત્તા માટેના આંતરિક ઝઘડાઓ અને હવે પુનઃ એક થવાના પ્રયાસો દ્વારા ગુજરાતી-મરાઠી સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાનું કામ કરે છે. “મહારાષ્ટ્ર ફક્ત મરાઠીઓનું” એવા નારા દ્વારા જનતાને ભડકાવી, સસ્તી રાજનીતિ અને હિંસાનો માર્ગ અપનાવવામાં આવે છે, જેનાથી સમાજમાં એકતા નહીં, પરંતુ વિભાજન વધે છે. આવી રાજકીય ગુંડાગીરી ન તો મહારાષ્ટ્રના હિતમાં છે, ન તો ગુજરાતી કે મરાઠી સમુદાયના લાંબા ગાળાના વિકાસમાં.
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાને લઈને થયેલા હુમલાઓએ આ મુદ્દાને વધુ જટિલ બનાવ્યો છે. એક ઘટનામાં, MNS ના કાર્યકરોએ 48 વર્ષીય ગુજરાતી દુકાનદાર બાબુલાલ ખીમજી ચૌધરી સાથે હિન્દીમાં જવાબ આપવા બદલ ઝઘડો કર્યો, જેના પરિણામે FIR પણ નોંધાઈ. આવી ઘટનાઓએ MNS ની ગુંડાગીરીના આરોપોને વધુ હવા આપી છે. બીજી બાજુ, આદિત્ય ઠાકરેએ આ હુમલાઓને ‘મરાઠી-બિન-મરાઠી’નો મુદ્દો ન હોવાનું કહીને ભાષાકીય રંગ આપવાનો ઇનકાર કર્યો, પરંતુ આ નિવેદન વિવાદને શાંત કરવામાં નિષ્ફળ રહ્યું. આ ઉપરાંત, MNS ના નેતા રાજ ઠાકરે પર ગુજરાતી સમુદાય સાથે દુર્વ્યવહારના આરોપો લાગ્યા છે. ગુજરાતી અને મરાઠી સમુદાયો વચ્ચે જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવતા, ઘણા લોકો MNS ના કાર્યકરો પર ગુજરાતીઓને નિશાન બનાવવાનો આરોપ મુકે છે. આવી ઘટનાઓએ રાજ્યના સામાજિક સૌહાર્દ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ મરાઠી વિવાદની વચ્ચે ગુજરાતનું નામ લઈને રાજકીય નિવેદનો આપ્યા, જેમાં તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં પાટીદાર સમુદાયને અલગ-અલગ કરવામાં આવ્યો છે. રેલીને સંબોધતા ઉદ્ધવે કહ્યું કે અમે રાજ ઠાકરે સાથે છીએ. અમે સાથે છીએ, આ મહત્વપૂર્ણ છે. અમારી અને રાજ વચ્ચે જે તફાવત હતો તે કેટલાક લોકોએ દૂર કરી દીધો છે. સાથે તેમણે ભાજપ પર શાંબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, મરાઠીનું અપમાન સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ લોકો ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ઉપયોગ કરે છે. હવે અમારો વારો છે. હવે અમે તેમને ઉખેડી નાખીશું અને ફેંકીશું. તમે લોકો બધાની સ્કૂલ શોધી રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ સ્કૂલમાં ગયા હતા? કોઈને હિન્દુત્વનો અધિકાર નથી. અમને હિન્દુત્વ શીખવવાની જરૂર નથી.
ઉદ્ધવે પોતાના ભાષણમાં એવા ટીકાકારો પર પણ નિશાન સાધ્યું જેઓ વિરોધ કરવા બદલ મરાઠી લોકોને ‘ગુંડા’ કહી રહ્યા છે. તેમણે કહ્યું, “જો મરાઠી લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને તમે તેમને ગુંડા કહી રહ્યા છો, તો હા અમે ‘ગુંડા’ છીએ.” તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે મરાઠી ઓળખ અને ભાષાને દબાવવાનું હવે સ્વીકાર્ય રહેશે નહીં.