સાયબર સુરક્ષાને મજબૂત કરવા કેન્દ્ર સરકારની નવી સેવા, ઝીરો FIR થકી સાયબર ઠગો વિરુદ્ધ થશે કાર્યવાહી
કેન્દ્ર સરકારે ઈ-ઝીરો એફઆઈઆર નામથી એક નવી સર્વિસ શરૂ કરી છે. જેનો હેતુ સાયબર સુરક્ષાને મજબૂત બનાવવાનો અને સાયબર છેતરપિંડી કેસની ઝડપી પતાવટ લાવવાનો છે. આ વ્યવસ્થા હાલ દિલ્હીમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 10 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદો આપોઆપ એફઆઈઆરમાં તબદીલ થશે. આ પહેલ પાછળનો ઉદ્દેશ સાયબર ક્રાઈમના ગુનેગારો વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો અને તપાસમાં થતો વિલંબ ઘટાડવાનો છે.
રૂ. 10 લાખથી વધુની સાયબર છેતરપિંડીની ફરિયાદો આપોઆપ એફઆઈઆરમાં તબદીલ થઈ જશે. આ સુવિધા 1930 હેલ્પલાઈન અથવા નેશનલ સાયબર રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદો પર લાગુ થશે. આ નવી વ્યવસ્થા ઈ-ઝીરો એફઆઈઆર તરીકે ઓળખાશે. જેનાથી સાયબર ગુનો આચરતાં ગુનેગારોને ઝડપથી પકડી જેલના સળિયા પાછળ ધકેલી શકાય. આ પ્રણાલી હાલ દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. ધીમે ધીમે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. ગૃહ મંત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી.
NCRP અને 1930 પર નોંધાયેલા 10 લાખથી વધુની સાયબર છેતરપિંડીની ફરિયાદો હવે આપોઆપ ઝીરો એફઆઈઆરમાં તબદીલ થઈ જશે. હાલ દિલ્હીના ઈ-ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધાશે અને તે સંબંધિત વિસ્તારના સાયબર પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. ફરિયાદીએ ત્રણ દિવસની અંદર સંબંધિત સાયબર પોલીસ સ્ટેસન જઈ ઝીરો એફઆઈઆરને નિયમિત એફઆઈઆરમાં તબદીલ કરવી પડશે. આ પ્રક્રિયામાં I4C (ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટ) દિલ્હી પોલીસની ઈ-એફઆઈઆર પ્રણાલી અને NCRBના ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્કને જોડી શકો છો.
આ પહેલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 (1) અને 1(ii) હેઠળ શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને I4Cની પ્રણાલી પીડિત વ્યક્તિએ ગુમાવેલા નાણાં તુરંત મેળવી આપવા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરશે અને ગુનેગારોને આકરી સજા આપશે.