ભારતમાં બંધારણ જ સર્વોપરી, સંસદ એના મૂળ માળખા સાથે ખિલવાડ ન કરી શકે : સીજેઆઈ
ભારતના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ કહ્યું છે કે ભારતનું બંધારણ સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો ન્યાયપાલિકા, કારોબારી અને વિધાનસભા તેના હેઠળ કાર્ય કરે છે. એટલું જ નહીં, સીજેઆઈએ એમ પણ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સંસદ સર્વોપરી છે, પરંતુ મારા મતે બંધારણ સર્વોપરી છે.
થોડાં દિવસો પહેલા જ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે ‘સંસદ સર્વોપરી છે.’ એવામાં CJI બી. આર. ગવઈ તેમના વતન અમરાવતીમાં તેમના સન્માન સમારોહમાં સંસદ, ન્યાયતંત્ર અને બંધારણ વચ્ચે સર્વોચ્ચતા પર ચર્ચાને આગળ ધપાવતાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
આ અંગે તેમણે કહ્યું હતું કે, ‘ભારતનું બંધારણ દેશમાં સર્વોપરી છે અને લોકશાહીના ત્રણેય અંગો બંધારણ અનુસાર કાર્ય કરે છે. સંસદ પાસે ચોક્કસપણે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પરંતુ તે ક્યારેય બંધારણના મૂળભૂત માળખા સાથે છેડછાડ કરી શકે નહીં.’
CJI ગવઈએ આ દરમિયાન ન્યાયાધીશો વિશે પણ વાત કરતાં કહ્યું કે, ‘સરકાર વિરુદ્ધ આદેશ આપીને કોઈપણ જજને સ્વતંત્ર ન કહી શકાય. જજે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણી ફરજ શું છે અને આપણે નાગરિકોના અધિકારો, બંધારણીય મૂલ્યો અને સિદ્ધાંતોના રક્ષક છીએ. આપણી પાસે ફક્ત સત્તા નથી, પરંતુ તે એક ફરજ પણ છે.’
CJI એ વધુમાં કહ્યું કે, ‘જજે લોકો તેમના નિર્ણય વિશે શું કહેશે અથવા શું અનુભવશે તેનાથી પ્રભાવિત થવું જોઈએ નહીં. આપણે સ્વતંત્ર રીતે વિચારવું પડશે. લોકો જે કહે છે તે આપણી નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરી શકતું નથી.’