NATIONAL

મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કરી લેવા માત્રથી કોઇ હિન્દુ મહિલાનું આપમેળે ઇસ્લામમાં ધર્માંતરણ નથી થઇ જતું. : દિલ્હી હાઇકોર્ટે

દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે એક પારિવારિક વિવાદના નિકાલ વખતે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે કોઇ મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કરી લેવા માત્રથી કોઇ હિન્દુ મહિલાનું આપમેળે ઇસ્લામમાં ધર્માંતરણ નથી થઇ જતું. પરિવારની સંપત્તિમાં હિસ્સા માટે એક બહેને ગુહાર લગાવી હતી જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી.

પુષ્પલતા નામની મહિલાએ વર્ષ 2007માં પોતાના સાવકા ભાઇઓ સામે સંપત્તિ મુદ્દે દાવો કર્યો હતો, પુષ્પલતાનો દાવો હતો કે મારા પિતાની સંયુક્ત પરિવારની સંપત્તિનો હિસ્સો મને આપવામાં નથી આવ્યો અને મારા સાવકા ભાઇઓ આ સંપત્તિને મારી મંજૂરી વગર જ વેચી રહ્યા છે. જ્યારે પુષ્પલતાના પિતાએ તેમજ તેના સાવકા ભાઇઓએ એવો દાવો કર્યો હતો કે પુષ્પલતાએ  બ્રિટનમાં એક પાકિસ્તાની મૂળના મુસ્લિમ સાથે લગ્ન કરી લીધા હોવાથી તે હવે હિન્દુ નથી રહી માટે હિન્દુ વારસા કાયદા મુજબ તેને સંપત્તિમાં હિસ્સાનો કોઇ અધિકાર નથી રહ્યો.

બીજી તરફ કોર્ટે આંશિક રીતે મામલાનો સ્વીકાર કરતા કહ્યું હતું કે વાદી હવે હિન્દુ નથી રહી તે સાબિત કરવાની જવાબદારી પ્રતિવાદી એટલે કે સાવકા ભાઇઓની રહેશે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે સંપત્તિ પર દાવો કરનારી બહેન પુુષ્પલતાએ પોતાના સોગંદનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તે હાલ પણ હિન્દુ ધર્મ અપનાવીને જ જીવન જીવી રહી છે, તેણે ઇસ્લામ ધર્મ નથી અપનાવ્યો. દિલ્હી હાઇકોર્ટે આ સાથે જ અરજદાર બહેનને પરિવારની સંપત્તિમાં પાંચમો હિસ્સો આપવાનો આદેશ આપ્યો હતો. અને સ્પષ્ટતા કરી હતી કે કોઇ હિન્દુ મહિલાના મુસ્લિમ સાથે લગ્ન થઇ જવા માત્રથી તે મહિલા આપમેળે મુસ્લિમ નથી બની જતી.

Back to top button
error: Content is protected !!