NATIONAL

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે જણાવ્યું છે કે, સમાન નાગરિક સંહિતા ભારતનું બંધારણીય લક્ષ્ય છે અને તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડવું જોઈએ નહીં. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિરુદ્ધ દાખલ કરાયેલી એક રિટ પિટિશનની સુનાવણી દરમિયાન સીજેઆઈએ આ મહત્ત્વનું અવલોકન કર્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચ મુસ્લિમ મહિલાઓના વારસાના અધિકારો અંગેની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મુસ્લિમ પર્સનલ લો મહિલાઓ સાથે ભેદભાવ કરે છે.

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, આદર્શ રીતે એક એવો યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ જે તમામ ધર્મોના વારસાના અધિકારોને નિયંત્રિત કરે. પરંતુ મુસ્લિમોમાં એવો ડર છે કે UCCના નામે તેમના પર હિન્દુ સિવિલ કોડ થોપી દેવામાં આવશે.આ દલીલના જવાબમાં સીજેઆઇએ સ્પષ્ટ કર્યું કે UCCએ માત્ર કાયદો નથી પણ એક બંધારણીય વાસ્તવિકતા છે, જેનો ઉદ્દેશ્ય સમાનતા લાવવાનો છે, કોઈ ધર્મ પર પ્રહાર કરવાનો નહીં.

સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ પણ મહત્ત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, સમાજમાં એક વૈજ્ઞાનિક, તર્કસંગત અને માનવતાવાદી દૃષ્ટિકોણ વિકસિત થવો જોઈએ, જે આપણા મૂળભૂત કર્તવ્યોમાં પણ સામેલ છે. જ્યારે પ્રશાંત ભૂષણે કહ્યું કે, આપણે વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ, ત્યારે કોર્ટે બંધારણીય ગરિમા જાળવવા પર ભાર મૂક્યો હતો.

ન્યાય નારી ફાઉન્ડેશન અને વકીલ પૌલોમી પાવની શુક્લા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આર્ટિકલ 32 હેઠળ મુસ્લિમ પર્સનલ લૉને પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચ મહિનામાં પણ સીજેઆઇ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે મહિલાઓના અધિકારો સાથે જોડાયેલા ભેદભાવના પ્રશ્નોનો એકમાત્ર જવાબ યુનિફોર્મ સિવિલ કોડ જ છે.

Back to top button
error: Content is protected !!