RELATIONSHIP

પતિ-પત્નીના સંબંધમાં ટકરાવ આવે અથવા બંને એકબીજાને સમજી ન શકે ત્યારે………

જ્યારે આપણે સમજ્યા-વિચાર્યા વગર કેટલાક નિર્ણયો લઈ લઈએ છીએ જે માટે પાછળથી ઘણો પસ્તાવો થાય છે. પતિ-પત્નીના સંબંધમાં ટકરાવ આવે અથવા બંને એકબીજાને સમજી ન શકે ત્યારે બંનેમાંથી એક વ્યક્તિએ બીજાને તેની જાતને સમજવા અને પરખવા થોડો સમય આપવો જોઈએ જેથી સંબંધો વચ્ચેની તાણ દૂર થઈ જાય છે.

માનવી એક સામાજિક પ્રાણી છે અને ઉન્નતિ માટે તેને સમાજની જરૂર પડે છે અને આ સમાજ એટલે માનવીઓનો એક મસમોટો મેળો. આમ માનવી નામનું બુદ્ધિમાન અને શક્તિશાળી પ્રાણી સમાજના સંબંધોમાં ગૂંચવાયું છે. વિવિધ પ્રકારના સંબંધો તેને જીવવાની પ્રેરણા પૂરી પાડે છે. અને તેના વિકાસમાં આ સંબંધો પણ ઘણા મહત્ત્વના સાબિત થાય છે. માનવીના સંબંધો લાગણીઓના તંતુઓ સાથે જોડાયેલા છે. આમાંથી એક તંતુ પણ તૂટી જાય તો જીવન બેસૂરું બની જાય છે.

જોવા જઈએ તો શિશુ માતાના ગર્ભમાં પ્રવેશે છે ત્યારથી જ તે લાગણીઓના બંધનમાં બંધાઈ જાય છે. ધીરે ધીરે આ બંધન એટલા મજબૂત થઈ જાય છે કે માતા સાથે જોડાયેલી ગર્ભનાળ કાપી નાખ્યા પછી પણ તૂટતા નથી બલ્કે સંબંધોની જાળ વધુને વધુ વિસ્તરતી જાય છે. આ સંબંધોમાં માતા-પિતા, ભાઈ, બહેન, અંગત સગાવહાલા મિત્રો, પત્ની, સંતાનો જેવા અલગ અલગ સંબંધોનો સમાવેશ થાય છે. સંબંધો વિના જીવન અપૂર્ણ છે. આ સંબંધો આપણા અસ્તિત્વ અને ઓળખ માટે મહત્ત્વના છે. આપણી સાથે લોહીના સંબંધથી જોડાયેલા લોકોનું દુ:ખ આપણને રડાવી જાય છે તો તેમનું સુખ આપણા આનંદમાં વધારો કરે છે અને આપણી આંખોને હર્ષના અશ્રુઓથી ભીની કરી દે છે. આ સંબંધોમાંનો એક સંબંધ લોહીનો નથી પરંતુ આ સર્વ સંબંધોમાં મહત્ત્વનો સંબંધ છે. આ સંબંધ છે પતિ-પત્નીનો. પતિ-પત્ની એકબીજા સાથે લોહીની સગાઈથી જોડાયેલા નથી. તેમની સગાઈ લાગણીઓ અને પ્રેમના બંધનથી જકડાયેલી છે. પતિ-પત્નીનો નાતો અતૂટ માનવામાં આવે છે. લગ્નરૂપી બેડી બે અજાણી વ્યક્તિઓને એકબીજા સાથે પ્રેમની કડીથી સાંકળી લે છે. તેઓ જિંદગીભર એકબીજાનો સાથ નિભાવે છે. અને સુખ-દુ:ખમાં એકબીજાની પડખે ઊભા રહે છે. પત્નીની જેમ મિત્ર સાથે પણ લોહીની સગાઈ હોતી નથી. મૈત્રી લાગણીના સેતુઓ સાથે જોડાયેલી છે. આપણો સાચો મિત્ર સુખ-દુ:ખમાં સાથ છોડતો નથી. તેમજ આપણી ખોટી પ્રશંસા પણ કરતો નથી. લગ્ન પછી પત્ની પણ આવા જ મિત્રની ગરજ સારે છે. પત્નીના પ્રેમમાં મિત્રનો સંબંધ ભળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય છે અને જિંદગીમાં વસંતનું આગમન થાય છે.

Back to top button
error: Content is protected !!