સાગબારામાં માટે બે કલાકમાં 19 મીમી વરસાદ, ઉકળાટથી ત્રસ્ત જનજીવનને રાહત,
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, નદી-નાળા છલકાયા

સાગબારામાં માટે બે કલાકમાં 19 મીમી વરસાદ, ઉકળાટથી ત્રસ્ત જનજીવનને રાહત,

વાતાલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, નદી-નાળા છલકાયા
સાગબારા તાલુકામાં લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને વરસાદની રાહ જોતા લોકો માટે ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાત્રિ દરમિયાન શરૂ થયેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી દીધી હતી અને જનજીવનને રાહત મળી હતી.
સાગબારા તાલુકાના મોટા ભાગના ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર હોવાથી છેલ્લા કેટલાક સમયથી વાવણીલાયક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. ત્યારે અચાનક પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેતીની તૈયારીઓને વેગ મળ્યો છે.
સરકારી આંકડા મુજબ સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન સાગબારા તાલુકામાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સમગ્ર તાલુકામાં સરેરાશ 58 મીમી જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. ધોધમાર વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
ચોમાસાની આ પ્રથમ જોરદાર વરસાતથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને હવે આગામી દિવસોમાં વધુ વરસાદની અપેક્ષા સાથે વાવણી કાર્ય તેજ બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.



