સાગબારાના ધવલીવેર ગામે નંદઘરનું તાલુકા વિકાસ અધિકારીએ દ્વારા લોકાર્પણ,

સાગબારાના ધવલીવેર ગામે નંદઘરનું તાલુકા વિકાસ અધિકારીએ દ્વારા લોકાર્પણ,

વાત્સલ્યમ્ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા તાલુકાના ધવલીવેર ગામે આંગણવાડી કેન્દ્રને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલા નંદઘરનું લોકાર્પણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના આગેવાનો, આંગણવાડી કાર્યકર બહેનો, વાલીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
નંદઘરનું ઉદ્ઘાટન કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારીએ કેન્દ્રની મુલાકાત લઈ બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી શૈક્ષણિક, પોષણ અને અન્ય સુવિધાઓની માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આંગણવાડી બાળકના ભવિષ્યના ઘડતરનું પ્રથમ શિક્ષણ કેન્દ્ર છે.
કાર્યક્રમ દરમિયાન તેમણે નાના ભૂલકાઓ અને વાલીઓને સંબોધતા કહ્યું હતું કે “શિક્ષણ એ જીવનનું પહેલું પગથિયું છે.” આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા-પિતાએ તેમને નિયમિત રીતે આંગણવાડી અને શાળામાં મોકલવા જોઈએ તેમજ તેમના સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે પણ જાગૃત રહેવું જોઈએ.
નંદઘર યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રોને આધુનિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જેમાં સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ, શૈક્ષણિક સાધનો, રમકડાં, પોષણ સેવાઓ તથા ડિજિટલ શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવો સરકારનો પ્રયાસ છે.
આંગણવાડી કાર્યકર બહેનોએ પણ નંદઘરના લાભો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સુવિધા બાળકોમાં સર્જનાત્મકતા, શિસ્ત અને શીખવાની રુચિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ ગામમાં નંદઘર જેવી આધુનિક સુવિધા ઉપલબ્ધ થતાં આનંદ વ્યક્ત કર્યો હતો અને તેને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
સમારોહ બાદ મહેમાનો, આંગણવાડી સ્ટાફ અને બાળકો સાથે સ્મૃતિચિત્ર લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


