ચોપડવાવ ગામમાં સસ્તા અનાજની દુકાન સામે ગ્રામજનોનો આક્રોશ, નિયમિત અનાજ વિતરણ અને તપાસની માંગ,

ચોપડવાવ ગામમાં સસ્તા અનાજની દુકાન સામે ગ્રામજનોનો આક્રોશ, નિયમિત અનાજ વિતરણ અને તપાસની માંગ,

વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
સાગબારા તાલુકાના ચોપડવાવ ગામના ગ્રામજનોએ સસ્તા અનાજની દુકાનના સંચાલન સામે અનેક પ્રશ્નો ઉઠાવી જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોપડવાવ ગામ, તાલુકો સાગબારા, જિલ્લા નર્મદાના રહેવાસી વલવી દિનેશભાઈ ભરતભાઈના નામે “પંડિત દિનદયાલ ગ્રાહક ભંડાર” સસ્તા અનાજની દુકાન નં. 21982 કાર્યરત છે. આ દુકાન હેઠળ બે ગામોના લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
ગ્રામજનોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા અંદાજે 5 થી 6 વર્ષના સમયગાળા દરમિયાન બંને ગામના લાભાર્થીઓને નિયમિત અને પૂરતો અનાજનો જથ્થો મળતો નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવ્યું નથી.
ગ્રામજનોએ માંગ કરી છે કે દર મહિને દુકાનને કેટલો અનાજનો જથ્થો મળવાપાત્ર છે અને લાભાર્થીઓને કેટલો જથ્થો વિતરણ કરવાનો છે તેની સંપૂર્ણ વિગતો દુકાનના બોર્ડ પર જાહેર કરવામાં આવે, જેથી તમામ ગ્રામજનોને પારદર્શક રીતે માહિતી મળી શકે.
વધુમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે સસ્તા અનાજની દુકાન મહિનામાં માત્ર એક જ વખત અનાજ વિતરણ માટે ખોલવામાં આવે છે. આ અંગે ગ્રામજનોએ સરકારના નિયમો મુજબ સસ્તા અનાજની દુકાન મહિનામાં માત્ર એક દિવસ ખોલવાનો નિયમ છે કે પછી સમગ્ર મહિના દરમિયાન નિયમિત સમયસર દુકાન ખુલ્લી રાખવાની જોગવાઈ છે તે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.
ગ્રામજનોએ રજૂઆતમાં એમ પણ જણાવ્યું છે કે અનાજ લેવા આવતા ગ્રાહકોને જરૂરી કૂપન અથવા વિતરણ સંબંધિત પુરાવા નિયમિત રીતે આપવામાં આવતા નથી તેવી ફરિયાદ પણ ઉઠાવવામાં આવી છે.
આ ઉપરાંત ગ્રામજનોએ માંગ કરી છે કે સરકારના નિયમો અને ગ્રામસભાના ઠરાવ મુજબ તકેદારી સમિતિની રચના કરવામાં આવે અને હાલની તકેદારી સમિતિ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો સસ્તા અનાજની દુકાનના સંચાલક નિયમિત રીતે દુકાન ચલાવવા ઇચ્છતા ન હોય અને લાભાર્થીઓને નિયમિત સેવા આપી શકતા ન હોય તો તેઓએ દુકાનના સંચાલનમાંથી રાજીનામું આપવું જોઈએ.
ગ્રામજનોએ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી સસ્તા અનાજના વિતરણમાં પારદર્શિતા લાવવામાં આવે તેમજ બંને ગામના તમામ લાભાર્થીઓને નિયમિત અને પૂરતો અનાજનો જથ્થો મળે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.


