THARADVAV-THARAD

“તળાવની માટીમાં તગડું કૌભાંડ? ઠરાવ વિના માટી વેચાણના આક્ષેપોથી વેદલા ગામમાં ઉઠ્યો રોષ”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લાના વેદલા ગામમાં તળાવ ખોદકામના કામને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવમાંથી નીકળેલી માટી ગામના વિકાસ કાર્યો તથા સ્થાનિક જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાની હોય છે, પરંતુ સરપંચ અને કોન્ટ્રાક્ટરની કથિત મિલીભગતથી મોટી માત્રામાં માટીનું વેચાણ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.ગ્રામજનોનો આરોપ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં ગ્રામ પંચાયતની બેઠક બોલાવી કોઈ ઠરાવ કરવામાં આવ્યો નહોતો અને નિયમોનું પાલન કર્યા વિના જ માટી અન્યત્ર ખસેડી વેચાણ કરવામાં આવી હતી. જેના કારણે ગામમાં ભારે રોષ ફેલાયો છે.સ્થાનિક લોકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સરકારી સંપત્તિનું ગેરકાયદેસર વેચાણ થયું હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનો હવે જિલ્લા તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસની રાહ જોઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!