રામપુરા ગ્રામ પંચાયતમાં મોટો વહીવટી ધડાકો: સરપંચ પદ પરથી દૂર, જિલ્લા વિકાસ અધિકારીનો આદેશ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના રામપુરા ગ્રામ પંચાયતમાં વહીવટી સ્તરે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-57(1) હેઠળ કાર્યવાહી કરતાં રામપુરા ગ્રામ પંચાયતના સરપંચને પદ પરથી દૂર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સરપંચ વિરુદ્ધ વિવિધ રજૂઆતો અને ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફરજમાં બેદરકારી, નિયમોના પાલનમાં ખામી તેમજ પંચાયતના વહીવટ સંબંધિત મુદ્દાઓ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને સરપંચને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી. તમામ દસ્તાવેજી પુરાવા, તપાસ અહેવાલો અને રજૂઆતોના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ અંતિમ નિર્ણય જાહેર કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જિલ્લા પંચાયત દ્વારા આ આદેશ સત્તાવાર રીતે અમલમાં મુકવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ તાલુકા અને જિલ્લા સ્તરે રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. હવે પંચાયતના આગામી વહીવટી કામકાજ અને આગળની પ્રક્રિયા નિયમો મુજબ હાથ ધરવામાં આવશે.




