ઓનલાઇન ટ્રેડિંગ કૌભાંડની સ્ટોરી છાપતા પત્રકારને ધમકી! થરાદ પોલીસ સ્ટેશનમાં જ રિપોર્ટરને અપાઈ ધમકી, પત્રકાર સુરક્ષા સામે ઉઠ્યા પ્રશ્નો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ જિલ્લાના એક પત્રકારે સમાચાર પ્રકાશિત કરવાના મુદ્દે ધમકી મળ્યાનો આક્ષેપ કરતા થરાદ પોલીસ સમક્ષ અરજી આપી કાયદેસરની સુરક્ષા અને સામાવાળાના જામીન લેવાની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, સણવાલ ગામના સાધુ અરવિંદકુમાર દેવીદાસ સામે આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે અરજદાર ગુજરાતની અસ્મિતા ન્યૂઝ પેપરમાં પત્રકાર તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં થરાદમાં ઓનલાઈન ટ્રેડિંગના શંકાસ્પદ કેસમાં 56 દિવસ બાદ પણ કાર્યવાહી ન થવા અંગે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
આ સમાચારને લઈને મનદુઃખ રાખી આજરોજ તા. 12/06/2026ના રોજ થરાદ પોલીસ સ્ટેશન ખાતે સામાવાળા અરવિંદકુમાર દેવીદાસે અરજદારને મળીને સમાચાર કેમ પ્રકાશિત કરવામાં આવ્યા તે અંગે પ્રશ્ન કર્યો હતો. અરજદારના જણાવ્યા મુજબ, તેમણે સામાવાળાને જણાવ્યું હતું કે સમાચાર રિપોર્ટમાં તેમનું નામ ક્યાંય ઉલ્લેખિત નથી.
અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સામાવાળાએ “અજાણ્યા ઈસમો” તરીકે ઉલ્લેખ કરાયેલ હોવાથી પોતાનું નામ પણ બહાર આવી શકે તેમ જણાવી આવા સમાચાર ન છાપવા માટે કહ્યું હતું. સાથે જ “હું રોજ બજારમાં ફરું છું, હવે તમે આવા સમાચાર છાપી બતાવજો, હું પણ જોઉં છું. આવા સમાચાર છાપશો તો ક્યાંક લેવરાઈ જશો” જેવા શબ્દો ઉચ્ચારી ધમકી આપી હોવાનું અરજદારે જણાવ્યું છે.
આ સમયે અરજદાર સાથે તેમના મિત્ર થાનાજી રાજપૂત તથા પત્રકાર જીતુભાઈ બારોટ હાજર હોવાનું અરજીમાં જણાવાયું છે. બંનેએ વચ્ચે પડી મામલો શાંત પાડી સામાવાળાને ત્યાંથી રવાના કર્યા હતા.
પત્રકાર તરીકે કામગીરી દરમિયાન પોતાની સાથે કોઈ અનિચ્છનીય અથવા ગુનાહિત ઘટના બની શકે તેવી ભીતિ વ્યક્ત કરી અરજદારે પોલીસ સમક્ષ અરજી આપી સામાવાળાના જામીન લેવા અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો પણ કંઈ આવા અહેવાલ છાપનાર પત્રકારો ઉપર કંઈ પણ જોખમ થાય તો આનો જવાબદાર આ ઓનલાઇન ટ્રેડિંગ ચલાવતો હિતેશ દરજી અને અરવિંદ સાધુ રહેશે એવું પત્રકાર ભમરાજી વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યો હતો



