THARADVAV-THARAD

“પત્રકારના નામે તોડપાણી? થરાદમાં પીળું પત્રકારત્વ કરનારા સામે લોકોમાં રોષ”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ પંથકમાં કેટલાક લેભાગુ તત્વો પત્રકારની ઓળખનો દુરુપયોગ કરીને ગામડાઓમાં ધાકધમકી અને તોડપાણી કરતા હોવાની લોકમુખે ચર્ચા જોર પકડી રહી છે. ગ્રામજનોમાં એવી રાવ ઉઠી છે કે આવા તત્વો સામાન્ય લોકો, ખેડૂતો અને નાના વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુકાં લાકડાં ભરી જતાં ટ્રેક્ટરોને રોકી તેમના વીડિયો અને ફોટા પાડવામાં આવે છે. ઉપરાંત, કોઈ દુકાનમાં પેટ્રોલ અથવા ડીઝલના બાટલાં જોવા મળે કે ખેડૂત પોતાના પશુઓના તબેલામાં ઉપયોગ માટે રેતીનું ટોળું લઈ જતો હોય ત્યારે પણ વીડિયો બનાવી દબાણ ઉભું કરવાના પ્રયાસો થવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક લોકો એકબીજાને ફોન કરીને પોતે સરકારી અધિકારી હોવાનું જણાવી ધાક જમાવવાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ સમાધાનના નામે તોડપાણી કરતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
આ સમગ્ર મામલે ગ્રામજનો અને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે પત્રકારત્વ જેવા જવાબદારીભર્યા વ્યવસાયની છબીને નુકસાન પહોંચાડતા આવા તત્વોની યોગ્ય તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું સામે આવે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો હવે તંત્ર પાસેથી પારદર્શક તપાસ તથા અસરકારક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!