“મારું ગામ – સ્વચ્છ ગામ”ના સંકલ્પ સાથે ઘેસડા-કરણપુરામાં સ્વચ્છતાની હાકલ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ તાલુકાના ઘેસડા અને કરણપુરા ગામે સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા, પર્યાવરણ સંરક્ષણ તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
“મારું ગામ – સ્વચ્છ ગામ”ના સંકલ્પ સાથે યોજાયેલી આ રેલીમાં ગામના વડીલો, યુવાનો, બહેનો, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના સૂત્રોચ્ચારો સાથે ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર એક દિવસનો કાર્યક્રમ નહીં પરંતુ જીવનશૈલીનો અભિન્ન ભાગ બનવી જોઈએ. ગામમાં સતત સ્વચ્છતા જળવાઈ રહે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે અને દરેક નાગરિક પોતાની જવાબદારી સમજે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અંતે અભિયાનને સફળ બનાવવા માટે સહભાગી બનેલા તમામ ગ્રામજનો, વડીલો, યુવાનો, શિક્ષકશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




