THARADVAV-THARAD

થરાદમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક, સૌહાર્દપૂર્ણ ઉજવણી માટે પોલીસની અપીલ

  1. વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને કાયદો-વ્યવસ્થા સુનિશ્ચિત રહે અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સહિત તમામ ધાર્મિક તહેવારો પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સૌહાર્દના વાતાવરણમાં ઉજવાય તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. તહેવારો સમાજમાં એકતા અને સંકલનનો સંદેશ આપે છે, તેથી કોઈપણ પ્રકારની ગેરસમજ અથવા વિવાદ ઉભો થાય તેવા કૃત્યોથી દૂર રહેવું જરૂરી છે.

તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ, ભ્રામક પોસ્ટ અને ઉશ્કેરણીજનક સંદેશાઓથી સાવચેત રહેવા અપીલ કરી હતી. કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેને ફોરવર્ડ કે વાયરલ ન કરવા તેમજ શંકાસ્પદ પોસ્ટ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું કે રથયાત્રા દરમિયાન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને પોલીસ તંત્ર સતત સતર્ક રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નાગરિકોનો સહયોગ અત્યંત મહત્વનો હોવાનું જણાવતાં તેમણે સૌને પોલીસ અને વહીવટી તંત્ર સાથે સંકલન રાખી શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજોના આગેવાનો અને વેપારી પ્રતિનિધિઓએ પણ રથયાત્રા શાંતિપૂર્ણ, ભવ્ય અને સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તથા વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. બેઠક અંતે શાંતિ, એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપતાં સૌએ મળીને તહેવારને સફળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!