વાવ-થરાદ જિલ્લામાં ડ્રગ્સ સામે પોલીસનો કડક પ્રહાર: 24 NDPS કેસમાં ₹1.42 કરોડનો મુદ્દામાલ જપ્ત, 69 આરોપીઓ ઝડપાયા

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે વાવ-થરાદ જિલ્લા પોલીસે “Zero Tolerance for Drugs” નીતિ અંતર્ગત જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે હાથ ધરાયેલી કામગીરીની વિગતો જાહેર કરી હતી. પોલીસે જણાવ્યું કે જિલ્લાના અસ્તિત્વમાં આવ્યા બાદથી ડ્રગ્સના નેટવર્ક સામે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તા. 2 ઓક્ટોબર, 2025ના રોજ નવરચિત વાવ-થરાદ જિલ્લાની રચના બાદ જિલ્લા એસ.ઓ.જી. શાખા કાર્યરત થઈ છે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાન સાથેની લાંબી આંતરરાજ્ય સરહદને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, વોચ અને બાતમીદારોના આધારે ડ્રગ્સની હેરાફેરી રોકવા અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસે માહિતી આપી કે તા. 2/10/2025થી અત્યાર સુધીમાં NDPS એક્ટ હેઠળ કુલ 24 કેસ નોંધાયા છે. જેમાં પોષડોડા, ઓપિયમ, હેરોઈન, મોર્ફીન, મેથામ્ફેટામાઈન, મેફેડ્રોન, ચરસ, અફીણ અને ગાંજા સહિતના વિવિધ માદક પદાર્થો મળી કુલ ₹1,42,39,607નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તથા 69 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણમાં લોકોની ભાગીદારી જરૂરી હોવાનું જણાવતાં જિલ્લા પોલીસે વોટ્સએપ હેલ્પલાઈન નંબર 9664792112 જાહેર કર્યો છે. જિલ્લામાં ક્યાંય પણ ડ્રગ્સનું વેચાણ, સેવન અથવા હેરાફેરી અંગે માહિતી હોય તો આ નંબર પર વોટ્સએપ દ્વારા જાણ કરવા અપીલ કરવામાં આવી છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને મળતી બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ દિવસ નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા આયોજિત વોકેથોનમાં જિલ્લાના આગેવાનો, વડીલો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, શાળાના બાળકો તેમજ મીડિયા પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ નશામુક્ત સમાજના સંકલ્પને સમર્થન આપ્યું હતું. જિલ્લા પોલીસે સહભાગી બનેલા તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ સૌના સહયોગથી વાવ-થરાદ જિલ્લાને સંપૂર્ણ ડ્રગ્સ મુક્ત બનાવવા સંકલ્પ વ્ય
ક્ત કર્યો.





