GUJARATJETPURRAJKOT

Rajkot: અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આવશ્યક સેવાકર્મીઓના પોસ્ટલ બેલેટ અંગે બેઠક યોજાઈ

તા.૨૮/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

BSNL, રેલવે, આરોગ્ય અને મીડિયાકર્મીઓ સહિત વિવિધ ૧૨ જેટલી આવશ્યક સેવાઓનો પોસ્ટલ બેલેટમાં સમાવેશ

Rajkot: લોકશાહીને મજબૂત કરવા માટે દેશનો દરેક નાગરિક લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે હેતુ સૌ પ્રથમ વખત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં વીજળી, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો, આરોગ્ય વિભાગ, ઉડ્ડયન, રાજ્ય પરિવહન નિગમ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરેલા મીડિયા કર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સહિતની ૧૨ સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. જે અન્વયે રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે ૧૨ આવશ્યક સેવાકર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા આપવા અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મુછારે જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં નોંધાયેલા અને મતદાનના દિવસે તેમની આવશ્યક ફરજોને કારણે મતદાન મથકમાં હાજર રહી શકશે નહિ તેવા જ મતદારોને આવશ્યક સેવાકર્મીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાપાત્ર ગણાશે. પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પાત્રતા ધરાવતા મતદાતાઓએ ફોર્મ – ૧૨(ડી) ભરીને નિયુક્ત નોડલ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરાવવાના રહેશે.

વધુમાં જિલ્લાના પોસ્ટલ બેલેટના નોડલ ઓફિસરશ્રી માંડોતે જણાવ્યું હતું કે, આવશ્યક સેવાકર્મીઓના પોસ્ટલ બેલેટના મતદાન માટે પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) તરીકે યોગ્ય સ્થળ નક્કી કરવામાં આવશે. ફોર્મ – ૧૨(ડી)માં ઉલ્લેખ કરેલા મોબાઈલ નંબર ઉપર પોસ્ટલ વોટિંગ સેન્ટરનું સંપૂર્ણ સરનામું મતદાનની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે તેમજ અન્ય કિસ્સામાં પોસ્ટ અથવા બી.એલ.ઓ. દ્વારા પણ આ અંગેની જાણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની મંજૂરી આપવામાં આવેલા મતદારો નિર્ધારિત કરેલા પોસ્ટલ વોટિંગ સેન્ટર પર જ મતદાન કરી શકશે, તેઓ અન્ય કોઈ રીતે મતદાન કરી શકશે નહીં. આ માટે તેમને અલગથી કોઇ રજા મળવાપાત્ર નથી.

આ બેઠકમાં ટ્રાફિક ડી.સી.પી.શ્રી પૂજા યાદવ, એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી જે.બી.કલોતરા, મામલતદારશ્રી મહેશ દવે સહીત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!