DHRANGADHRASURENDRANAGAR

શિલ્પકલા ક્ષેત્રે કારકિર્દી કંડારવામાં મદદરૂપ બનતું ધ્રાંગધ્રાનું સાપ્તી કેન્દ્ર

તા.24/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

૧૨૦૦ થી વધારે યુવાનોને સ્વાવલંબી કલા સર્જક બનાવી સ્વતંત્ર રીતે વ્યવસાય શરૂ કરવા કર્યા સક્ષમ

ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના કારણે વિશ્વભરમાં જાણીતું છે. શિલ્પ અને સ્થાપત્યની વિવિધતાએ ગુજરાતની સદીઓ જુની શિલ્પકળાની ભવ્ય પરંપરાને વિશિષ્ટ ઓળખ આપી છે. ગુજરાત શિલ્પકળાના આ ભવ્ય વારસાની સાથે-સાથે પથ્થરોની કુદરતી ખાણોથી પણ સમૃદ્ધ છે. પથ્થર ઉદ્યોગમાં રહેલી વિપુલ સંભાવનાઓનો ઉપયોગ કરતા શિલ્પકળાના આ મૂલ્યવાન વારસાને આગળ વધારવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર ગુજરાતમાં અંબાજી અને સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રા ખાતે શિલ્પ સંકુલ શરૂ કરવાની પરિકલ્પના કરી હતી. જેના ફળ સ્વરૂપે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૦૯માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ(સાપ્તી)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે સાપ્તી વિશાળ વટ વૃક્ષ બની અનેક યુવાનોને પથ્થરોમાં સપના કંડારતા કર્યા છે. બહારનાં રાજયોનાં વિધાર્થીઓ પણ અભ્યાસ અર્થે ધ્રાંગધ્રા, સાપ્તીમાં આવી પોતાનું ભવિષ્ય બનાવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશનાં ભદોહી જિલ્લાનાં ગોપીગંજ ગામમાંથી આવેલા વિશ્વકર્મા આર્યન દેવનારાયણ આનંદ સાથે જણાવે છે કે, હું અહીંયા સ્ટોન આર્ટ શીખવા માટે આવ્યો છું. મને અહીંયા સારામાં સારી હોસ્ટેલ, કેન્ટીન, અને રહેવાની સુવિધાઓ મળી રહે છે અને એ પણ સાવ નિ:શુલ્ક. અમારે ઉત્તરપ્રદેશમાં આવા વ્યવસાયલક્ષી તાલીમ કોર્ષની બહુ જ વધારે ફી હોય છે જે મારા જેવા સામાન્ય વર્ગના લોકોને પરવડે એમ ન હોવાથી હું અહીંયા તાલીમ લેવા માટે આવ્યો છું. સરકારશ્રીની આ પહેલ મારા જેવા સામાન્ય વર્ગના બાળકો માટે રોજગારીનાં અનેક નવા દ્વાર ખોલી દે છે. સેન્ડસ્ટોન, માર્બલ, ગ્રેનાઇટ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. વિશેષમાં કેન્દ્ર ખાતે ઇતિહાસનું પણ જ્ઞાન આપવામાં આવે છે જેમાં સિંધુ ખીણની સભ્યતા, મૌર્યકાલીન સભ્યતા વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. તાલીમાર્થીઓને ઇન્ટર્નશીપ તથા મહિનામાં બે થી ત્રણ વાર બહારની મુલાકાતો કરાવી પથ્થરો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવે છે. ખરેખર આ સંસ્થાની શરૂઆત સરકારનું સરાહનીય કાર્ય છે.રાજસ્થાનનાં જયપુર જિલ્લાનાં ભેંસલાણા ગામનાં રહેવાસી વિકાસસિંઘ શેખાવત સહર્ષ જણાવે છે કે, હું છેલ્લા પાંચ-છ મહિનાથી સાપ્તી ખાતે સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇનિંગનાં બે વર્ષનાં કોર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું. અહીંયા મને રહેવા- જમવાની વ્યવસ્થા, તાલીમ માટે જરૂરી સાધનો, સ્ટેશનરી, શૈક્ષણિક કીટ, યુનિફોર્મ, મટીરીયલ બધી જ વસ્તુઓ સાવ નિ:શુલ્ક મળે છે, અને અહીંયા સ્ટોન ક્રાફ્ટિંગને લગતું બહુ જ બધું શીખવાડવામાં આવે છે જેને કારણે હું શિલ્પકલા ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી શકીશ તેવો મને વિશ્વાસ છે.ઘર આંગણે જ તાલીમ લઈને ઘર આંગણે જ રોજગારી મેળવવી છે એવો તર્ક આપતા ધ્રાંગધ્રા તાલુકાનાં એંજાર ગામનાં ધોરણ -૯ પાસ રાઠોડ નૈલેશ સુરેશભાઈ આનંદ સાથે જણાવે છે કે, મારા જેવા સામાન્ય વર્ગના વિદ્યાર્થીને શીખવાની અને કંઇક નવું કરવાની ધગશ જોઈને મને ખાસ કિસ્સામાં સંસ્થામાં પ્રવેશ આપ્યો એ માટે હું સંસ્થાનો આભારી છું. અહીંયા ડિઝાઇનને લગતી જુદી-જુદી તાલીમ આપવામાં આવે છે અને પથ્થરોમાં કેવી રીતે કારીગરી કરવી અને પથ્થરો વિશે ખૂબ જ વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે. બહાર કોલેજમાં આવા વ્યવસાયલક્ષી કોર્ષો શીખવા માટે ૨૦ થી ૨૫ હજાર જેટલી ફી હોય છે. જ્યારે હું અહીંયા સાવ ફ્રી માં અભ્યાસ કરી રહ્યો છું. અહીંયા ડિઝાઇનિંગને લગતા અલગ અલગ ૩ કોર્ષ ચલાવવામાં આવે છે જેમાં મે સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇનનાં ૬ માસનાં કોર્સમાં એડમિશન મેળવ્યું છે. કોર્ષ પૂર્ણ થયા બાદ તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. અહીંયાથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૨૦ થી ૨૫ હજારનાં પગારવાળી નોકરી પણ મળી જાય છે. હું ધ્રાંગધ્રા તાલુકાનો જ છું અને મને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મારા જ તાલુકામાં નોકરી મળી જશે એ મારા માટે બહુ જ મોટી વાત છે.સાપ્તી ધ્રાંગધ્રાનાં પ્લેસમેન્ટ અને પાર્ટનરશીપ ડેવલપમેન્ટ ઓફિસરશ્રી અશરફ નથવાણી જણાવે છે કે, આવા રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો ગુજરાત સહિત દેશભરનાં શિલ્પ ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને પ્રોત્સાહિત કરે છે. સાપ્તીમાં કેન્દ્રનાં વિવિધ અભ્યાસક્રમોમાં જોડાયા બાદ તાલીમાર્થીઓ હાથથી, મશીનો દ્વારા તેમજ ડિજિટલ માધ્યમોથી શિલ્પ કૃતિઓ તૈયાર કરવામાં કુશળતા પ્રાપ્ત કરે છે. તેઓ સ્વતંત્ર રીતે પોતાના વ્યવસાય શરૂ કરવા માટે પણ સક્ષમ બને છે. પોતાની સાથે બીજા 10 લોકોને રોજગારી આપી રોજગાર દાતા બને છે. લોકોમાં કળા પ્રત્યેની અભિરુચિ કેળવાય તથા જૂની કળાઓ વિસરાય નહીં અને નવી ટેકનોલોજીની સમજ આપી અહીંથી ઉત્તમ શિલ્પકારો તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અહીંયાથી ૧૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓ તાલીમ મેળવીને ગયા છે. અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, લીડ બેંક વગેરેના માધ્યમથી સરળતાથી લોન મળી શકે એવું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાનું નવું સ્ટાર્ટઅપ ચાલુ કરી વડાપ્રધાનશ્રીનાં આત્મનિર્ભર ભારતનાં નિર્માણમાં પોતાનું યોગદાન આપે એવા અભિગમ સાથે સાપ્તીમાં વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે. તાજેતરમાં જ સાપ્તી દ્વારા ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓ નોંધણી કરાવી પ્રવેશ મેળવી આપણો ભવ્ય શિલ્પકળા વારસો જાળવી, સ્વાવલંબી કલા સર્જક બને એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ધ્રાંગધ્રા સૌરાષ્ટ્રમાં આવેલું સુરેન્દ્રનગર જિલ્લાનું એક મહત્વનું અને સેન્ડસ્ટોન માટે પ્રખ્યાત નગર છે. અહીં મળી આવતા સેન્ડસ્ટોનનો ઉપયોગ સદીઓથી મંદિરો, મહેલો અને ઐતિહાસિક સ્મારકોમાં થતો આવ્યો છે. ધ્રાંગધ્રાનો સેન્ડસ્ટોન મોઢેરાનું સૂર્યમંદિર, પાટણની રાણકીવાવ અને અમદાવાદની જુમ્મા મસ્જિદ જેવા ગુજરાતના મોટાભાગના સ્થાપત્ય વારસાનો પાયો છે. જેને ધ્યાને લઈ ધ્રાંગધ્રા ખાતે સાપ્તીની સ્થાપના કરવામાં આવી છે. સાપ્તી ખાતે તાલીમાર્થીઓને ડ્રોઈંગ, સ્કેચિંગ, ડિઝાઇનિંગ, ટેકનીકલ ડ્રાફ્ટિંગ તથા પથ્થરને કંડારવાની કળાનું ઉચ્ચસ્તરિય શિક્ષણ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને ખાસ પ્રકારના વાતાવરણમાં વિવિધ સાધનોનો ઉપયોગ તથા પદ્ધતિઓ શીખવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ છીણી-હથોડાના ઓજારો, અત્યાધુનિક મશીન, હાથથી સંચાલિત પાવરટુલ્સ, અધતન મશીનો, સીએનસી ઓપરેશન્સ વગેરે જેવા સાધનો પર નિપુણતા મેળવે છે. સાપ્તીમાં અલગ-અલગ પ્રકારના શૈક્ષણિક તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. ઉપરાંત સાપ્તીમાં તાલીમાર્થીઓનાં વ્યક્તિત્વ વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો, કમ્યુનિકેશન સ્કીલ, કોમ્પ્યુટર વગેરે પણ શીખવવામાં આવે છે. પથ્થરકળા ઉદ્યોગમાં ઇન્ટર્નશીપ અને રોજગારીનો અવસર તેમજ સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન અને તાલીમ પૂર્ણ કર્યા બાદ સરકાર માન્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. સાપ્તી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ વર્ગખંડો, વર્કશોપ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ડિસ્પ્લે ગેલેરી, ઔધોગિક પ્રવાસ અને અન્ય શૈક્ષણિક પ્રવાસો માટે બસની સુવિધા, રમતગમત, મનોરંજન અને સ્વ વિકાસની સુવિધાઓ સાથે સાથે રહેવા માટે હોસ્ટેલ, કેન્ટીન, સંપૂર્ણ સલામતી કીટ, સ્ટેશનરી, શૈક્ષણિક કીટ અને તાલીમ માટે અન્ય જરૂરી સાધન-સામગ્રીઓ તાલીમાર્થી ઓને નિ:શુલ્ક પ્રદાન કરવામાં આવે છે. તાલીમાર્થીઓનું કોર્સના અંતે પ્રેક્ટીકલ કાર્ય અને પ્રદર્શન, મૌખિક પરીક્ષા અને માર્ગદર્શકોના રીપોર્ટસ, MCQ અને લેખિત પરીક્ષા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે.તાલીમાર્થીઓને પોતાનું કલા-કૌશલ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો તથા આર્ટના મહોત્સવમાં દર્શાવવાનો મોકો પણ આપવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!