RAMESH SAVANI
યુવાનોની બેરોજગારી દૂર કરવાનો ચમત્કાર !
ગુજરાતમાં બેરોજગાર યુવાનો ભલે આંદોલન કરતા હોય પણ RSSની પાંખ વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગ દળે ગુજરાતમાંથી બેરોજગારી અદ્રશ્ય કરવાનો ચમત્કાર કરી દેખાડ્યો છે !
30 જુલાઈ 2024ના રોજ હળવદમાં શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ‘ભવ્ય ત્રિશુળ દિક્ષા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1615 બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી. આ યુવાનોએ રાષ્ટ્ર રક્ષા/ ગૌ રક્ષા/ સ્ત્રી રક્ષા/ ધર્મ રક્ષા/ આત્મ રક્ષા/ લવ જેહાદ રક્ષા માટે સતત કાર્યશીલ રહેવા પ્રતિજ્ઞા લીધી હતી !
આટલું કામ મળવાથી હર્ષઘેલાં બનેલા બજરંગી યુવાનોએ હળવદની મુખ્ય બજારમાં ‘શૌર્ય યાત્રા’ કાઢી હતી; જેમાં ‘વંદે માતરમ્/ જય શ્રી રામ / હર હર મહાદેવ/ ભારત માતા કી જય’ના નારાથી હળવદની શેરીઓને ગજવી હતી !
આ 1615 બજરંગી યુવાનો પોતે બેરોજગાર છે/ મોંઘવારીનો ત્રાસ છે/ શાળા, હોસ્પિટલના ઠેકાણાં નથી વગેરે ફરિયાદ કરવાને બદલે હવે કાયમી ધોરણે ચૂપ રહેશે ! ત્રિશૂળ મફત આપશે પણ શાળાના પુસ્તકો પર GST વસૂલ કરે તેની સામે ચૂપ રહેવું પડશે ! તેમની ઉપર RSSએ ચાલાકીપૂર્વક કામગીરીનો ડુંગર ખડકી દીધો છે : ‘રાષ્ટ્ર રક્ષા/ ગૌ રક્ષા/ સ્ત્રી રક્ષા/ ધર્મ રક્ષા/ આત્મ રક્ષા/ લવ જેહાદ રક્ષા !’ આટલા કામો તો મુખ્યમંત્રી કે વડાપ્રધાન પણ ન કરી શકે ! આટલાં કામો એકી સાથે યુવાનોના હાથમાં આવી પડે તો તેમને શ્વાસ લેવાનો સમય પણ ન મળે !
હળવદ સિવાય ગુજરાતમાં ઠેરઠેર વિશ્વ હિન્દુ પરિષદ/ બજરંગદળે ‘ભવ્ય ત્રિશુળ દિક્ષા સમારોહો’ યોજી બેરોજગાર યુવાનોના હાથમાં ત્રિશૂળ પકડાવી દીધાં છે ! વડાપ્રધાને ‘પકોડા વેચવા’ને રોજગાર કહ્યો છે; તો હાથમાં ત્રિશૂળ પકડાવી દે તેને પણ રોજગાર જ કહી શકાય ને?
તમે ધારતા હશો કે “આ બજરંગી યુવાનો રાષ્ટ્રની રક્ષા કરવાના છે એટલે અગ્નિવીર/ સૈનિકોની જરુર નહીં પડે; સ્ત્રીરક્ષા, આત્મરક્ષા કરવાના છે એટલે પોલીસની જરુર નહીં પડે; ગૌરક્ષા, ધર્મરક્ષા, લવ-જેહાદીઓને પાઠ ભણાવશે એટલે કોર્ટની જરુર નહીં પડે ! અને સરકારનો હિમાલય જેટલો ખર્ચ બચી જશે !”
તો તમારી ધારણા ખોટી છે. કેમકે 2001થી ગુજરાતમાં અને 2014થી આખા ભારતમાં બજરંગી યુવાનોના ઈતિહાસ પર નજર કરો ! તેમણે કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો એટલાં ઊભા કર્યા છે કે પોલીસ અને કોર્ટ એમના કેસોમાં જ ગૂંચવાયેલી રહે છે ! કદાચ ‘ભવ્ય ત્રિશુળ દિક્ષા સમારોહો’નો છૂપો એજેન્ડા એવો પણ હોય કે નાગરિકો ‘પ્રભુ રામ’ના ભરોસે જીવે !rs