ખંભાળિયા ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓનાં રક્ષણ બાબત અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોગ કેન્દ્ર નગરપાલિકા હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી રચનાબેન મોટાણીના અધ્યક્ષસ્થાને ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ના અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કાયદાકીય જાગૃતિ શિબિરમાં મદદનીશ સરકારી વકીલશ્રી અલ્પેશભાઇ પરમાર દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ ની જોગવાઇઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા હાલમાં જ અમલમાં આવેલ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંગેની માહિતી પુરી પાડી હતી. ઉપરાંત સમગ્ર દેશમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવો, ઘરેલુ હિંસાના અનેક ઉદાહરણો આપી અને મહિલાઓ ઉપર થતી ઘરેલુ હિંસાથી પોતાને કઈ રીતે સુરક્ષિત રાખી શકે તેનું વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.ચંદ્રેશ ભાંભી દ્વારા મહિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ ઓજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન વગેરેની માહિતી પુરી પાડી હતી.
મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.જે.ચૌહાણ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલાઓને કેવી રીતે મદદરૂપ થઇ શકે તેના વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ માંથી પધારેલા ગોપીબેન મુંગરા દ્વારા મફત કાનૂની સહાય અને પ્રિ-લિટીગેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પ્રફુલ જાદવ, મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એસ.કે.બારડ અને શ્રી જે.એમ.અગ્રાવત તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની વિવિધ યોજનાનાં કર્મચારીઓ, SHE TEAM, આરોગ્ય કાર્યકરો, આંગણવાડી કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.








