AHAVADANGGUJARAT

Dang: ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન મહોત્સવ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

‘એક પેડ, માં કે નામ’ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના સુબિર ખાતે જિલ્લાના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૭૫મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો.

બાપ દાદાઓથી ડાંગ પ્રકૃતિ સાથે નાતો રહ્યો છે. ડાંગ જિલ્લાના આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક છે, પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન-સન્માન, અને સમગ્ર જીવન જંગલને આભારી છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા, સૌને તેની જાળવણીનું આહ્વાન કર્યું હતું.

૭૫માં વન મહોત્સવના કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રી વિજયભાઈ પટેલે, ડાંગના પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ પૂજક પ્રજાજનો જ, જંગલના સાચા રક્ષકો છે તેમ કહ્યું હતું. જંગલમાં વસતા આદિજાતિ પરિવારોનું વન આધારિત જુદી જુદી યોજનાઓના સથવારે તેમનું જીવન ધોરણ બદલાયું છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું.

તેમણે વન વિભાગની અઢળક યોજનાઓનો લાભ લઈને પ્રજાજનોને સ્વયં જાગૃતિ કેળવી, પોતાના જંગલનું રક્ષણ કરી, ભાવિ પેઢીને સમૃદ્ધ વન વારસો આપી જવાની હિમાયત કરી હતી.

‘કોરોના’ ના કાળમાં અનુભવેલી મુશ્કેલી બાદ, સૌને ઓક્સિજનનું મૂલ્ય સમજાઈ ગયું છે. જીવનમાં વૃક્ષોનું મહત્વ સૌએ સ્વીકારવું જ પડશે. ડાંગ જિલ્લાને કુદરતી રીતના મળેલ વનોનું રક્ષણ કરવાની આપણી ફરજ બની રહે છે. સાથે જ વનાચ્છાદિત પ્રકૃતિ અને નૈસર્ગિક સૌંદર્યને માણવા અને જાણવા માટે આવતા હજારો પ્રવાસીઓ, માત્ર અને માત્ર જંગલોને આભારી છે. તેમ પણ તેમણે આ વેળા કહ્યું હતું.

પ્રવાસીઓની ચહલપહલથી સ્થાનિક રોજગારીનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ભાવિ પેઢીને જંગલોનો સમૃદ્ધ વારસો આપવા માટે આપણે સૌએ જંગલને બચાવવું પડશે તેમ શ્રી વિજય પટેલે ઉમેર્યું હતું.

ડાંગમાંથી વહી જતાં પાણીને શ્રેણીબદ્ધ ચેકડેમોના નિર્માણોથી રોકીને, અહીની ધરાને તરબોળ કરવા સાથે પ્રજાજનોની પાણીથી જરૂરિયાત સંતોષવાની હાંકલ કરતા શ્રી વિજયભાઈ પટેલે, પ્રજાજનોની જમીન ડુબાણમાં ન જાય, અને પાણી પણ અહીના લોકોને મળી રહે તેવા કાર્યોમાં સૌનો સહકાર જરૂરી છે તેમ જણાવ્યુ હતું.

‘એક પેડ, માં કે નામ’ અભિયાનને વધુ વેગવંતો બનાવવા સાથે પ્રકૃતિ જાળવણી કરવાનું આહવાન, ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને કર્યું હતું.

ગુજરાતનાં ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા ૨/૩ વર્ષથી વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે ત્યારે, જંગલ જાળવવી આપણી સૌની ફરજ બને છે. જિલ્લામાં ઘણીષ્ઠ વન છે, છતાંય વધુને વધુ વનનો ફેલાવો થાય તે જરૂરી છે. તેમ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.

વન મહોત્સવની શરૂઆત ગુજરાતના પુત્ર અને ભારતના પ્રથમ કૃષિમંત્રી, ગુજરાતી સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશી દ્વારા ઇ.સ.૧૯૫૦માં કરાવવામાં આવેલ હતી. વૃક્ષારોપણ કરવા ઉત્સવ ઉજવવા પડશે તેવો ખ્યાલ તેઓને તે સમયે આવી ગયેલ હતો, અને તેથી જ તેઓએ ભવિષ્યને ધ્યાને રાખી વન મહોત્સવ ઉજવવાની પરંપરા ચાલુ કરી હતી. જેના ભાગરૂપે આજે આપણે જિલ્લા કક્ષાનો ૭૫મો વન મહોત્સવ સરકારી માધ્યમિક શાળા, સુબીર ખાતે ઉજવી રહીયા છે. તેવી જ રીતે તાલુકા કક્ષાના વન મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આહવા તાલુકા કક્ષાએ સરકારી પ્રાથમિક શાળા-કોટબા, વઘઇ તાલુકા કક્ષાએ શ્રી અંબિકા એજયુકેશન ટ્રસ્ટ (દોડીપાડા) વઘઇ સંચાલિત પ્રાથમિક/માઘ્યમિક આશ્રમ શાળા-શિવારીમાળ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમ કલેક્ટરશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું.

સુબીર ખાતે યોજાયેલા ૭૫માં વન મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી ‘માલિકી યોજના’ ના રૂ.૪૯.૯૫ લાખનો લાભ આપવામાં આવ્યો હતો. જ્યારે પેટા સ્ટેજ ઉપરથી રૂ.૨૮.૦૭ લાખ મળી કુલ રૂ.૭૮.૦૨ લાખનો લાભ આપવા સાથે, ‘વાડી યોજના’, અને ‘કલસ્ટર યોજના’ના લાભાર્થીઓને આંબા/કાજુની કલમ અને ખેત ઓજારો તથા કીટ અર્પણ કરાયા હતા. સાથે પ્રશંસનીય કામગીરી કરનારા વનકર્મીઓને પ્રશસ્તિપત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે, ડાંગ વન વિભાગ દ્વારા સને ૨૦૨૪/૨૫ ના વર્ષ દરમિયાન કુલ-૩૬૬૮ હેક્ટર વન વિસ્તારમાં કુલ ૩૭.૨૬ લાખ રોપાઓનું વાવેતર કરાયું છે. જ્યારે ‘વન મહોત્સવ’ દરમિયાન ૭ લાખ રોપાઓના વાવેતરનો લક્ષ નક્કી કરાયો છે. જેમાંથી કુલ ૪.૧૪ લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના રોપાઓનું વિતરણ થવાની કામગીરી ચાલી રહી છે. ‘ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત’ કાર્યક્રમ હેઠળ કુલ ૧૨૮ ગામોમાં ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવનાર છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન માલકી યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા કુલ ૮૦૫ લાભાર્થીને રૂપિયા ૩૫.૮૨ કરોડ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા કુલ ૨૩૯૧ લાભાર્થીને રૂપિયા ૫૧.૯૬ કરોડ મળી બન્ને વિભાગો દ્વારા કુલ ૩૧૯૬ લાભાર્થીઓને ૮૭.૭૮ કરોડનો લાભ આપવામાં આવેલ છે. તેમજ વનલક્ષ્મિ યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ૪૫ JFMC મંડળીઓને ૩૭૩.૩૭ લાખ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ૫૬ JFMC મંડળીઓને ૫૦૨.૫૪ લાખ મળી કુલ ૧૦૧ JFMC મંડળીઓને કુલ ૮૭૫.૯૧ લાખનો લાભ આપવામાં આવેલ છે.

વાડી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૦૩૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે. તેમજ કલસ્ટર ડેવલોપમેન્ટ યોજના હેઠળ ૧૭૦ ગામડાઓનાં ૧૩૬૯૧ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. આ સાથે જ વન અધિકાર ધારા ૨૦૦૬ અન્વયે કુલ ૭૩૪૧ વ્યક્તિગત હક દાવાઓની અરજીઓ નોંધાયેલ હતી. જેમાં આજ દિન સુધી કુલ ૩૮૬૬ વ્યક્તિગત હક્ક દાવાઓ જિલ્લા કક્ષી સમિતિમાં મંજુર કરી ૪૪૦૧.૧૩ હેક્ટર જંગલ જમીન ફાળવણી કરેલ છે.

કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાએ કર્યું હતું. જ્યારે અંતે આભારવિધિ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ આટોપી હતી. સરકારી માધ્યમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, સુબીર ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રીમતી યોગિતાબેન ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઇન, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી રાજુભાઈ ગામિત, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, મદદનીશ વન સંરક્ષકો શ્રી સુરેશ મીણા અને સુશ્રી આરતી ભાભોર, આર.એફ.ઓ સહિત વન મંડળીના સભાસદો, લાભાર્થીઓ, પર્યાવરણ પ્રેમીઓ, તથા મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવા સાથે વૃક્ષરથને પ્રસ્થાન પણ કરવાયું હતું.

Back to top button
error: Content is protected !!