NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો ૨૦૦થી વધારે પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી જાળવી રહ્યા છે જમીનની ફળદ્રુપતા

પ્રાકૃતિક કૃષિ શા માટે ? ઝીરો બજેટ ખેતી શા માટે કહેવાય છે ? જાણો આ અંગે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

રાસાયણિક ખેતી અને યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગ સાથે ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ પ્રાકૃતિક ખેતી વિશે જાણવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા તત્પર છે. પ્રાકૃતિક ખેતી એ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે ગુજરાત સરકારનું પણ મિશન છે. ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ સરકારનું અગ્રિમ લક્ષ્ય છે, ત્યારે નવસારી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે મિશન મૉડ પર કામ કરવાની આવશ્યકતાને સમજે છે.

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાના સૌથી મજબૂત વિકલ્પ એટલે કે પ્રાકૃતિક કૃષિ થકી નવસારી જિલ્લામાં હાલ ૨૦૦થી વધારે પ્રગતિશીલ ખેડૂતો જમીનની ફળદ્રુપતા વધારી રહ્યા છે. આ પ્રગતિશીલ ખેડૂતો જળ, જમીન અને પર્યાવરણની રક્ષા કરવાની સાથે લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવાનું પણ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. વળી આ પદ્ધતિથી ઉત્પાદિત કૃષિ પેદાશોના ભાવ પ્રમાણમાં સારા મળવાથી અને કૃષિ ખર્ચ નહિવત્ હોવાથી સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનતા આત્મનિર્ભર ખેડૂત થકી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત એવું કહે છે કે, ખેડૂતોએ આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવીને સમૃદ્ધ થવું હશે, તો પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વિના નહીં ચાલે. આ સાથે જ પ્રાકૃતિક ખેતીને ઝીરો બજેટ ખેતી પણ કહેવામાં આવે છે. કેમ આવું ? કારણ કે, પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર, કૃત્રિમ જંતુનાશકો અને બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે.

પ્રાકૃતિક કૃષિ શા માટે ? એવા સહજ સવાલનો જવાબ ખૂબ રસપ્રદ છે.
• ખેતી ખર્ચ નહિવત.
• રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ શૂન્ય.
• ખૂબ ઓછા પાણીની જરૂરિયાત.
• પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા આવે છે. જે જમીનને છિદ્રાળુ કરે છે. જેથી વરસાદનું પાણી રિચાર્જ થાય છે આમ “ખેતરનું પાણી ખેતરમાં”નો સિદ્ધાંત ખર્ચ વગર પાર પડે છે.
• પ્રાકૃતિક ખેતપેદાશ રાસાયણિક અવશેષો મુક્ત અને ઉચ્ચ ગુણવત્તાવાળો હોવાથી બજારમાં સારા ભાવ મળી રહે છે.
• પર્યાવરણની જાળવણી અને સંવર્ધન થાય છે.
• ઓછો ખર્ચ, વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ, યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે.
પ્રાકૃતિક ખેતી નામ એક છે પણ તે અનેક સમસ્યાઓનો ઉપાય છે. ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. સકારાત્મક પરિવર્તન માટે ખેડૂતોએ અત્યારે પહેલ કરવી પડશે. પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે.

તસ્વીર- પ્રતીકાત્મક

Back to top button
error: Content is protected !!