NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીવાસીઓની વર્ષો જૂની માંગણીઓનો સુખદ અંત: કર્ણાવતી એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ,

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના રેલવે મુસાફરો અને દૈનિક અપ-ડાઉન કરતા નાગરિકો માટે આનંદ અને રાહતના સમાચાર છે. સ્થાનિક નાગરિકો, વિવિધ સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓની રજૂઆતો અને માંગણીઓને ગંભીરતાથી ધ્યાને લઈને રેલવે બોર્ડ દ્વારા ટ્રેન નંબર 12933/12934 કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત, બોરીવલી–વલસાડ મેમૂ (69139) ટ્રેનને હવે સુરત સુધી લંબાવવાનો એક પ્રજાહિતલક્ષી નિર્ણય લેવાયો છે, જેનાથી હજારો દૈનિક મુસાફરોની મુસાફરી વધુ સરળ અને સુગમ બનશે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ પાછળ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના સઘન અને સતત પ્રયાસો મુખ્ય કારણ રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ તથા ભુરાભાઈ શાહની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરીને આ પ્રશ્નો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. રેલવે મંત્રાલયે આ રજૂઆતોને હકારાત્મક રીતે સ્વીકારીને ત્વરિત મંજૂરી આપી છે. એટલું જ નહીં, આગામી સમયમાં વંદે ભારત એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ સહિતની અન્ય પ્રમુખ ટ્રેનોના સ્ટોપેજ અંગે પણ ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણયો લેવાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
નવસારી જિલ્લાના નાગરિકો અને મુસાફરોની સુવિધામાં વધારો કરતા આ નિર્ણય બદલ પ્રતિનિધિ મંડળે સમગ્ર જિલ્લા વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!