GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ: જિલ્લામાં સરેરાશ 90 મી.મી. વાંસદામાં સૌથી વધુ 132 મી.મી.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારીમાં 24 કલાકમાં સરેરાશ 90 મી.મી. વરસાદ; વાંસદામાં સૌથી વધુ 132 મી.મી., ચીખલીમાં 102 મી.મી. વરસાદ નોંધાયો

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે નવસારી શહેરના નાગરિકોને પડતી મુશ્કેલીઓનો સ્થળ પર જ તાગ મેળવવા નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાયે મંગળવારે શહેરના વિવિધ વિસ્તારોની મેદાની મુલાકાત લઈ પ્રજાલક્ષી પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.

જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 90 મી.મી. (3.54 ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા તાલુકામાં સૌથી વધુ 132 મી.મી., ચીખલીમાં 102 મી.મી., ગણદેવીમાં 88 મી.મી., નવસારીમાં 84 મી.મી., જલાલપોરમાં 79 મી.મી. અને ખેરગામમાં 54 મી.મી. વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને માર્ગોને નુકસાન પહોંચવાની સ્થિતિ સર્જાઈ છે. મેયરશ્રી અને કમિશનરશ્રીની ફિલ્ડ વિઝીટની શરૂઆત વિરાવળ વિસ્તારથી કરવામાં આવી હતી. વિરાવળ પારસી પુલ નીચે અસામાજિક તત્વો દ્વારા ફેંકાતા ઘન કચરાને કારણે સર્જાતી ગંદકીનો કાયમી ઉકેલ લાવવા માટે બ્રિજની બંને બાજુ લોખંડની જાળી લગાવવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો હતો.

ત્યારબાદ ભારે વરસાદથી ધસી પડેલા વિરાવળના છેવાડાના માર્ગની સ્થળ પર મુલાકાત લઈ ઇજનેર વિભાગને તાત્કાલિક સમારકામ શરૂ કરી માર્ગને ફરી સલામત બનાવવાના આદેશ આપવામાં આવ્યા હતા.

મિથિલા નગરી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા, રોડ-રસ્તાની સ્થિતિ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાના સંવેદનશીલ સ્થળોએ તાત્કાલિક પાણીના નિકાલ અને નિયમિત સફાઈ જાળવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુલાકાતના અંતિમ તબક્કામાં મહાનગરપાલિકાના વર્કશોપની મુલાકાત લઈ નવા સર્વિસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે લાંબા સમયથી ઉપયોગ બહાર રહેલા પાલિકાના વાહનોનો નવી સ્ક્રેપિંગ નીતિ હેઠળ ઝડપી અને પારદર્શક રીતે નિકાલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

ભારે વરસાદ અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે મેયરશ્રી અને કમિશનરશ્રીની આ મેદાની મુલાકાતે વહીવટી તંત્રની સતર્કતા અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા સતત મોનિટરિંગ અને તાત્કાલિક કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!