જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

*
****
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ – બુધવાર- આજરોજ ધારાસભ્ય સર્વેશ્રીઓ અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી તેમજ રિતેશભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલા વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં નર્મદા પરિક્રમાવાસીઓને પ્રાથમિક સુવિધા મળી તે અર્થે વમલેશ્વર પ્રોજેક્ટ, કબીરવડ,અંગારેશ્વર,મંગલેશ્વર અને શુક્લતિર્થનાં વિકાસ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવતા પવિત્ર સ્થાનો અને તેના વિકાસ માટેના ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
આ તકે, જિલ્લાના પ્રવાસન વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમાનુસાર અને નિયત સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ તાકિદ કરી જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઈજનેરશ્રી,માર્ગ અને મકાન વિભાગ પંચાયત, જિલ્લા નોડલ અધિકારીશ્રી, આર્કિટેક્ટ અને અમલીકરણ અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



