
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લાનાં પંપા સરોવરથી શબરીધામ સુધીની ભવ્ય શોભાયાત્રા નીકળી..
પેટા:—– “મેરે રામ આયેંગે તો અંગણા સજાયેંગે”પરંતુ ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે પ્રભુ શ્રીરામ અને શબરીમિલન કાર્યક્રમમાં કોઈ સજાવટ ન કરવામાં આવતા વાસુર્ણાનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો..
પેટા:—-ડાંગ જિલ્લાનાં સુબિર ખાતે પ્રભુશ્રીરામ અને શબરીમિલન કાર્યક્રમમાં મા શબરીનાં વંશજો એવા પાંચ રાજવીઓનું સન્માન ન થતા રાજવી રઘવાયા..
ડાંગ જિલ્લાની શબરીમાતા સેવા સમિતિ શબરીધામ દ્વારા શ્રીરામ આગમન યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.ભગવાન શ્રીરામ અને માતા શબરીના મિલનની ઘટનાનુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં આગવું મહત્વ છે.આ ક્ષણ એક ભક્તની તેના પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું એક પ્રતિક છે. પ્રભુ શ્રીરામ અને માતા શબરીનુ મિલન આ રામયણ કાળની ઘટના એ હજારો વર્ષોથી આધ્યાત્મિક ભક્તિનું પ્રામાણિક ઉદાહરણ છે. ત્યારે અહીં પ્રભુ શ્રીરામ અને માતા શબરી મિલન દિવસ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઇ હતી.સંસ્કૃતિ, સંસ્કાર અને સત્સંગનો પ્રચાર કરવાના આહવાન સાથે લોકોને ભગવાન શ્રી રામ વિશે જાગૃત કરવા પ.પૂ. બાલયોગી પીર ગણેશનાથજી નાથ દલિચા નવનાથ મઠ ત્રમ્બકેશ્વર નાસિકના પીર મહારાજે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા મેળવી, અમૂલ્ય માનવ જન્મને સાર્થક કરવાની અપીલ કરી હતી.શબરી ધામના સ્વામી અસીમાનંદજીએ મહારાષ્ટ્રથી પધારેલા ભાવિક ભક્તોનું વિશેષ અભિવાદન કરતા, દેશભરમાં ગુંજી ઉઠેલા પ્રભુ શ્રી રામ નામનો મહિમા વર્ણવી, દંડકારણ્યથી અયોધ્યા સુધી જાગેલા ભક્તિના ભાવમાં, ડાંગના માં શબરીના વંશજો પણ ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.આ સાથે જ અસીમાનંદજીએ ડાંગ જિલ્લામાં ધર્મજાગરણ દ્વારા શરૂ કરેલ તેઓના કાર્ય તેમજ શબરી ધામની સ્થાપના અંગેની વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી.
માં શબરીના વંશજોનું વંદન અભિનંદન કરતા રાજ્યના આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોરે દંડકારણ્યની પાવન ભૂમિની અસ્મિતા અને વિરાસત તથા અહીંની સનાતન સંસ્કૃતિની ક્ષમતાનો પરિચય આપી, અનેક આક્રંતાઓએ સનાતન હિન્દૂ સંસ્કૃતિને તહસનહસ કરવાની નાપાક કોશિશ કરી, તેમ છતાં સનાતન સંસ્કૃતિ તેના સિદ્ધાંત સાથે ટકી રહી છે તેમ જણાવ્યું હતુ.આ સાથે પંપા સરોવર થી શબરીધામ યોજાયેલ સુધી યોજાયેલ શોભાયાત્રામા પણ મહાનુભાવો જોડાયા હતા.શબરીધામ ખાતે યોજાયેલા ‘શ્રી રામ-શબરી મિલન સમારોહ’માં મહારાષ્ટ્રથી હજારો ભાવિક ભક્તો સાથે કાર્યક્રમમાં પધારેલ પ. પૂ. બાલયોગી પીર ગણેશનાથજી નાથ દલિચા નવનાથ મઠ ત્રબકેશ્વર નાસિકના પીર મહારાજ, સ્વામી અસીમાનંદજી, સંઘના સર્વે શ્રી શરદરાવ ઢોલે, સુરેશ કુલકર્ણી, પી.પી.સ્વામીજી, કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલ, ગણદેવી ધારાસભ્ય વ પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ રવીનાબેન ગાવિત, વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સુર્યવંશી, શબરી ધામ મંદિરના ટ્રસ્ટ્રીઓ, ડાંગ ભાજપ સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, ભાજપ મહામંત્રી હરિરામભાઈ સાવંત, દિનેશભાઇ ભોયે સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
બોક્ષ:-(1)——
પ્રભુશ્રીરામ અને શબરીમિલન કાર્યક્રમમાં તંત્રએ કોઈપણ સજાવટ ન કરતા ડાંગ વાસુર્ણાનાં રાજવીએ આક્ષેપ કરી આક્રોશ ઠાલવ્યો.આ અંગે ડાંગ વાસુર્ણાનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ કહ્યુ હતુ કે ડાંગ જિલ્લાના શબરીધામ સુબિર ખાતે રામઆગમન યાત્રા કાઢવામાં આવી હતી.જેનો મને ઘણો હરખ છે.જેમાં મારા મનમાં હતુ કે મેરે રામ આયેંગે તો અંગણા સજાયેંગે પરંતુ અહી વહીવટી તંત્રની બેદરકારીનાં પગલે પંપા સરોવરથી શબરીધામ સુધી શોભાયાત્રા યોજાઇ તેમા કોઈપણ શણગાર જોવા મળ્યો નથી.ગેટને કલર કરવામાં આવેલ નથી.અને કોઈ ધ્વજ લગાવવામાં આવેલ નથી.આ તંત્રમાં બહુ ખોટ છે. અમે શબરી માતાનાં પૂર્વજો એટલે કે વંશજો છીએ,તેમજ સંતાનો છીએ.ત્યારે ડાંગના પાંચ રાજાઓ અને ઘણા બધા ભીલ વંશજો પૈકી પાંચ ભીલ રાજવીઓને તો આખરે અહીં બોલાવી સન્માનિત કરવા જોઈએ.અહીં મંદિર શણગારવામાં આવેલ નથી કે ખર્ચ કરવામાં આવેલ નથી અને ધ્વજ લગાવવામાં આવેલ નથી. તંત્ર શું કરે છે ? કરોડોની ગ્રાન્ટ સરકાર શબરીધામ માટે ફાળવે છે તો એમાંથી અમુક રકમનો તો ઉપયોગ થવો જોઈએ. ક્યાં તો રાજવી તરીકે મને કહેવું જોઈએ કે આ શણગાર કરવાનો છે તો કંઇક ફાળો આપો.તો લાખ બે લાખ રૂપિયા મે આપી દીધા હોત અહી વોટ અને ધર્મની ખોટ જોવા મળી છે.જે ઘણી દુઃખદ બાબત છે.અહી આજે વોટે ધર્મની ખોટ લાવી છે.હું રાજનીતિમાંથી હટી જવાનું પસંદ કરું પણ ધર્મ ન છોડુ,ધર્મની ટેક રાખો જેથી આપણો ધર્મ ટકી શકેનું જણાવી આક્રોશ ઠાલવ્યો હતો..





