

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર વિસ્તારમાંથી પ્રોહિબિશનના છ ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે નાસતા-ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી.
પીએસઆઈ ડી.એ. તુવરની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દશરથ ઉર્ફે દશુ બાલુભાઈ વસાવા તેના ઘરે હાજર છે. આ માહિતીના આધારે પોલીસે અંકલેશ્વરના હજાત ગામે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ત્રણ, અંકલેશ્વર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે અને અંકલેશ્વર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના એક મળી કુલ છ ગુનામાં ફરાર હતો. પોલીસની કાર્યવાહીથી વિસ્તારમાં દારૂના વેપલા સામે સક્રિય કામગીરી થઈ રહી હોવાનો સંદેશ ગયો છે.


