GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલી શ્રી કવિ દાદ કોલેજમાં ભારે ભાગદોડ મચી ગઈ : ૩-૪ લોકો ગંભીર રીતે ઘવાયા

તા.૧૯/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સમગ્ર પરિસ્થિતિને મોકડ્રીલ જાહેર કરાતા ઉપસ્થિતોએ હાશકારો વ્યક્ત કર્યો.

Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલી શ્રી કવિ દાદ કોલેજના મુખ્ય હૉલ તથા અન્ય ક્લાસિસમાં અંદાજિત ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આવા સમયે અચાનક આગ લાગી હતી. વિદ્યાર્થીઓએ આગ આગની બૂમો પાડતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડના કારણે વિદ્યાર્થીઓ તથા અન્ય સ્ટાફ ત્યાંથી એક સાથે બહાર નીકળવાનો પ્રયત્ન કરતા ભાગદોડ વધારે થઈ હતી. આ ભાગદોડમાં ત્રણથી ચાર (૩-૪) લોકો ખૂબ ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટના અંગે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તરત જ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. આ સમયે પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર તથા તેમનો સ્ટાફ, પોલીસ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ સત્વરે ત્યાં પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચીને તુરંત જ પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર પરિસ્થિતિને મોકડ્રીલ જાહેર કરાતા ઉપસ્થિતોએ હાશકારો વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર મોકડ્રીલ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી તથા પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીના માર્ગદર્શન અનુસાર મામલતદાર શ્રી કેતન સખિયા દ્વારા યોજવામાં આવી હતી. મોકડ્રીલ દરમિયાન સૌથી પહેલા જિલ્લા વહીવટી તંત્ર અને પૉલિસે ઘટના સ્થળે પહોંચીને ક્રાઉડ મેનેજમેન્ટ કર્યું હતું અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘાયલોની સારવાર કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલોને પડધરીના સરકારી દવાખાને લઈ ગયા હતા.

સમગ્ર મોકડ્રીલ દરમિયાન જો આવી કોઈ ઘટના ઘટે તો શું શું ધ્યાન રાખવું જોઈએ તે અંગે પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીએ તમામ સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!