ભરૂચ: અભદ્ર ટિપ્પણી બાબતે આદિવાસી સમાજ દ્વારા વિરોધ, જિલ્લા કલેક્ટર તેમજ SP ને આવેદન


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખરચી ગામનો યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતાં.જેમાં એક ચરોતરના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓ લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાતા શુક્રવારના રોજ હાથોમાં તીર કામઠા સાથે કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં એકત્ર થઇને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા.જેનો વીડિયો સોશ્યલ મીડીયા વાયરલ થયો હતો.જેને લઈને
સોશિયલ મીડિયામાં લાલાભાઇ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેકટર અને એસપીને આવેદન આપી સોશ્યલ મીડિયામાં ટીપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સુત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા,દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.



