ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેત ખનનનો ઘેરો બનતો વિવાદ-તાલુકાના રાણીપુરા ગામે ફ્લાઇંગ સ્કવોડના દરોડા દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેત ખનનનો ઘેરો બનતો વિવાદ-તાલુકાના રાણીપુરા ગામે ફ્લાઇંગ સ્કવોડના દરોડા દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

________________________________
તાલુકામાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ પર કડક કારવાઇ કરવામાં આવે તેવી પ્રબળ બનતી માંગ
_________________________________
રાણીપુરા ખાતે ફ્લાઇંગ સ્કવોડના દરોડા દરમિયાન ૧ એકસેવેટર મશીન ૧ યાંત્રિક નાવડી તેમજ ૧૨ હાઇવા ડમ્પરો કબ્જે લેવાયા
_________________________________
ઝઘડિયા તા.૨૮ ફેબ્રુઆરી ‘૨૫
_________________________________
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સહિત વિવિધ ખનિજ ખનનના મુદ્દે અવારનવાર વિવાદ થતો જોવા મળે છે. ત્યારે તાલુકાના રાણીપુરા ગામે કથિત ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ઝડપી લઇને ફ્લાઇંગ સ્કવોડની ટીમે રેત ખનનમાં વપરાતો લાખો રુપિયાનો મુદ્દામાલ કબ્જે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ફ્લાઈંગ સ્કવોડ સુરત, ભૂસ્તર વિભાગ ભરૂચ તેમજ મામલતદાર ઝઘડિયાની ટીમ દ્વારા રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં રેત ખનનની પ્રવૃત્તિ પર છાપો મારીને રેત ખનનમાં વપરાતા ૧ એકસેવેટર મશીન, ૧ યાંત્રિક નાવડી અને ૧૨ હાઇવા ડમ્પરો જપ્ત કર્યા હતા. ઝઘડિયા તાલુકામાં ઉપરાછાપરી ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિ ઝડપાતા સમગ્ર ભરૂચ જિલ્લામાં આ વાતે ચકચાર જમાવી છે,અને તંત્ર દ્વારા થઇ રહેલ કાર્યવાહીને પગલે ખનિજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છેકે તાલુકામાં બેફામ બનેલ ગેરકાયદેસર ખનિજ ખનનની પ્રવૃત્તિને લઇને તાલુકાની જનતામાં રોષ ફેલાયો છે. ગેરકાયદેસર રેત ખનન જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે નંબરીયા ખનિજ માફીયાઓ અને તેમના મળતીયા લેભાગુ ઇસમો પર કડક પગલા ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે. તાલુકામાં રહેલી ખનિજ સંપતિને બે નંબરીયા ખનિજ માફિયા અને તેમના મળતીયા ઇસમો ખોબેખોબે ઉલેચી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે, જેમાં જવાબદાર વિભાગના મેળાપીપણામાં રેતી ખનન ગેરકાયદેસર રીતે અને રોયલ્ટી ચોરી કરી કરવામાં આવતું હોવાની વ્યાપક લોકબુમો લાંબા સમયથી ઉઠી રહી છે. જેના પગલે જવાબદાર અધિકારીઓના ખીસ્સા તો ભરાય છે પરંતુ સરકારની તિજોરી પર સીધો માર પડી રહ્યો છે, જવાબદાર તંત્ર દ્વારા કાયદેસર અને ગેરકાયદેસર ખનીજ ખનન પર પૂરતું ધ્યાન નહીં અપાતું હોવાના કારણે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઝઘડિયા પંથકમાં ફૂલી ફાલી છે, ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં છેલ્લા બે મહિના જેટલા સમયથી ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં પાઇપલાઇન અને નાવડીનો ઉપયોગ કરી પાણી સાથે રહેલી રેતી ઉલેચવામાં આવી રહી હતી.આ બાબતે સ્થાનિક ગ્રામજનોનો વિરોધ હોવા છતાં ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હતું, ત્યારે ગતરોજ ફલાઈંગ સ્કવોડ કચેરી સુરત તથા ભરૂચ ભૂસ્તર વિભાગ અને મામલતદાર ઝઘડિયાની તપાસ ટીમ દ્વારા રાણીપુરા ગામના વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આકસ્મિક દરોડા દરમ્યાન રાણીપુરા ગામના નર્મદા નદીના પટમાં ડાયરેક્ટ નર્મદાના વહેતા પ્રવાહમાંથી પાઇપલાઇન મશીન દ્વારા ચાલતા સાદી રેતી ખનિજના બિનઅધિકૃત ખનન અને વહનની પ્રવૃત્તિ ઝડપાઇ હતી. આ તપાસ દરમ્યાન ૧ એકસેવેટર મશીન, ખાણકામમાં વપરાતી ૧ યાંત્રિક નાવડી અને ૧૨ હાઇવા ટ્રક ડમ્પરો જપ્ત કરીને હીટાચી મશીન માલિક, ટ્રક માલિકો વિરુધ્ધ કાયદેસર દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાની ભેખડ તોડી રેતી માફિયાઓ રેતી ઉલેચી રહ્યા હતા, આ ભેખડ તોડવાના કારણે પુર ના સમયે પાણી સીધુજ રાણીપુરા ના કાછી વગામાં ઘૂસી જશે એવી પુરી સંભાવના રહેલી છે. વળી ખુબ મોટા પાયે જમીનોનું ધોવાણ થશે તે બાબતે જવાબદારી કોણ માથે લેશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું!
ઈરફાનખત્રી
રાજપારડી




