
સમીર પટેલ, ભરૂચ
વાગરા ગ્રામ પંચાયત પાસે કચરાના ઢગલામાં શનિવારે મળસ્કે આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ જમાદારે સમય સુચકતા વાપરી માણસો બોલાવી પાણીનો છંટકાવ કરતાં આગ કાબુમાં આવી હતી જેના લીધે આસપાસ પડેલી 22 જેટલી બાઇક અને કેબિન સળગતા બચી ગઇ હતી. વાગરામાં આવેલ ગ્રામ પંચાયત નજીક શનિવાર ના રોજ વહેલી સવારે 5.30 વાગ્યે કેબીનો નજીક કોઈક ઇસમે બીડી સળગાવી કચરાના ઢગલામાં સળગતી બીડી નાખી દેતાં ધીરે ધીરે આગ લાગી હતી. આગ ફેલાવા લાગતાં વાગરા ટાઉનમાં ફરજ બજાવતાં જમાદાર રણજીતસિંહે નજીકમાં રહેતાં શ્રમજીવીઓને બોલાવી પાણીનો છંટકાવ શરૂ કરાવ્યો હતો. આગ લાગી તે સમયે કેબિનો તથા રીપેરિંગ માટે આવેલી 22 જેટલી બાઇકો પાર્ક કરેલી હતી. સદનસીબે પોલીસ જમાદારની સમય સૂચકતાથી આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી જાનહાનિ થતાં અટકી હતી.




