

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના વાલીયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની હત્યા થઈ હતી. તે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. આ દંપતીની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જમાઈએ જ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જમાઈને શેર માર્કેટમાં 35 લાખની ખોટ ગઈ હતી જે ભરપાઈ કરવા આ ગુનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે.
વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમના પત્ની લતા બોરાધરાના મકાનમાં 4 થી માર્ચના રોજ રાત્રીના સાડા નવ વાગ્યાથી 5મી માર્ચના રાત્રિના નવ વાગ્યા સુધીમાં તિક્ષણ હથીયાર વડે શિક્ષક દંપતી ઉપર હુમલો કરી, બંનેને ગરદનના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી.
શિક્ષક દંપતીનું ઘર કલાકો સુધી સુમસામ રહેતા સોસાયટીના રહીશો દ્વારા તપાસ કરતા આ શિક્ષક દંપતીની હત્યા થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બનાવ સબંધે મરણજનારના સાળાએ વાલીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા એસપી મયુર ચાવડા સહિત LCB,SOG સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર દોડી આવી એફ.એસ.એલ.ટીમ, ડોગ સ્કોવોડ, ફીંગર પ્રિન્ટ એક્સપર્ટની જરૂરી મદદ મેળવવામાં આવી હતી.
જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ઝઘડીયા ડીવીઝન તથા LCB પીઆઈ એમ.પી.વાળાએ ત્રણ અલગ-અલગ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા ગુનાવાળી જગ્યાની આસપાસ તથા વાલીયા ટાઉન તેમજ વાલીયાથી વ્યારા સુધીના હાઇવે રોડ ઉપર આવેલા ટોલપ્લાઝા, પેટ્રોલપંપો, હોટલો વગેરેના મળી આશરે 130 જેટલા સી.સી.ટીવી ફુટેઝ એકત્રીત કરી એનાલીસીસ કરીને કરી ડબલ મર્ડરના ગુનાનો ભેદ શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન પોલીસને ધ્યાનમાં હકિકત મળી કે, આ શિક્ષક દંપતીનું કાસળ કાઢવામાં તેઓના જમાઈ વિવેક રાજેન્દ્ર દુબેની સંડોવણીની પુરેપુરી શક્યતાઓ છે. જેથી તપાસમાં જોતરાયેલા ટીમ દ્વારા શંકાસ્પદ વિવેક દુબેને ઝડપી પાડી વાલીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેની સઘન અને ઉંડાણપુર્વકની પુછપરછ હાથ ધરી હતી.
પોલીસની સઘન પૂછપરછમાં આરોપી જમાઈ ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલ્યો હતો. આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેને બેંક લોન ચાલુ હોય, અલગ અલગ જગ્યાએથી વ્યાજે નાણા લીધા હતા. તેમજ શેરમાર્કેટમાં છેલ્લા છ માસમાં 35 લાખ જેટલી રકમ ગુમાવી દીધી હતી. જેથી આર્થિક સંકળામણમાં આવી ગયો હતો.
વધુમાં જણાવ્યું કે, તેના સાસુ સસરા આર્થિક રીતે સધ્ધર હોય, રોકડ રકમ તથા દાગીના વાલીયા તેના ઘરે મુકી રાખતા હોવાની પોતાને જાણ હતી. તદઉપરાંત પોતાને ઘરસંસારમાં પણ સસરા અવારનવાર વચ્ચે આવતા હોવાથી સાસુ- સસરાનો કાંટો કાઢી નાંખી દાગીના તથા રોકડા રૂપિયા લૂંટી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. તે પોતાની ફોરવ્હીલ લઈ વ્યારાથી ગાંધીનગર ગયો હતો અને ગાંધીનગરથી પરત વાલીયા આવી ગુનાને અંજામ આપી ઘરમાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના લૂંટી ત્યાંથી ભાગી ગયો હતો.
આ મામલે આરોપીને વાલીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતા વાલીયા પોલીસ ઇન્સપેક્ટર દ્વારા આરોપીની ધરપકડ કરી, ગુનામાં ઉપયોગ કરેલ હથીયાર, ફોરવ્હીલ, લૂંટમાંથી મેળવેલા રોકડ તથા સોના-ચાંદીના દાગીના વગેરે મુદ્દામાલ રીકવર તેમજ પુરાવાઓ એકત્રીત કરવા આરોપીના રીમાંન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ડબલ હત્યા કેસમાં ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે, જ્યારે ઘટના બની ત્યારથી એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી. જેમાં અમને જે વ્યક્તિઓ પર શંકા હતી તેમને પોલીસ સ્ટેશન બોલાવી પૂછતાજ કરી ક્રોસ સવાલો કર્યા હતા. અમારા સવાલો અને તેમના જવાબોમાં વિસંગતતા આવતા તેમને વધુ વખતે પૂછતાજ કરતા શિક્ષક દંપતીના જમાઈ વધુ શંકાના ઘેરામાં આવ્યો હતો. જેથી તેની કડક પૂછતાજ કરતા તે ભાગી પડ્યો હતો અને તેના માથે વધારે દેવું થઈ ગયું હોય રૂપિયાની જરૂર હોય તેના સસરા અને સાસુની હત્યા કરી ભાગી ગયો હોવાની કબૂલાત કરી હતી. જેની હાલમાં ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.




