Rajkot: ડ્રગ્સનું દુષણ યુવાધનને બરબાદ કરે તે પહેલા પરિવારજનોએ ભયસ્થાન બતાવવું જરૂરી – અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયા

તા.૧૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ
Rajkot: ડ્રગ્સની લત લાગ્યા પછી તેમાંથી બહાર આવવું ખુબ જ મુશ્કેલ છે, ત્યારે યુવાનો આ દુષણનો ભોગ બને તે પહેલા તેમના પરિવારજનોએ ખાસ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ તેના ભયસ્થાનો વિષે માહિતગાર કરવા જરૂરી હોવાનું નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં અધિક પોલીસ કમિશનરશ્રીએ કોલેજ, યુનિવર્સીટીમાં માર્ગદર્શક કાર્યક્રમો યોજવા, જનજાગૃતિ અભ્યાન અસરકારક રીતે આગળ વધારવા તેમજ કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત કરવા ખાસ સૂચન કર્યું હતું.
ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે ડ્રગ્સ વેચાણકર્તા લોકોની માહિતી આપવા ખાસ ભલામણ કરી તેઓના નામ ગુપ્ત રહેશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરાયેલા ‘માનસ’ પોર્ટલ પર માહિતી આપી શકાય છે, તેમ ઉમેર્યું હતું.
બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન કામગીરી અંગે ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી પુરી પાડી હતી. એસ.ઓ.જી. દ્વારા મેફેડ્રોન અને ગાંજાના બે કેસ, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નાસતા ફરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું તેમજ કોપટા એક્ટ હેઠળ ૨૯૬ કેસ કરી રૂ. ૫૯,૨૦૦ નો દંડ કરવામાં આવ્યો હોવાની વિગતો પુરી પાડી હતી. સાથોસાથ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, પ્રાંત-૨ કચેરી તેમજ વિવિધ કોલેજ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોની વિગતો રજુ કરવામાં આવી હતી.
બેઠકમાં ડી.સી.પી. ઝોન ૧ શ્રી સજ્જનસિંહ પરમાર, ઝોન ૨ શ્રી જગદીશ બંગારવા, સીટી પ્રાંત – ૧ અધિકારી સુશ્રી ચાંદની પરમાર, એ.સી.પી. શ્રી ભરત બસિયા, એસ.ઓ.જી., ડી.સી.બી. સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.



