
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-21 મે : આગામી તા. ૨૬મી મેના રોજ ભુજ ખાતે યોજાનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન માટે નિમાયેલી ૨૯ વિવિધ વ્યવસ્થાપન સમિતિઓના અમલીકરણ અધિકારીઓએ અત્યાર સુધીની તૈયારીઓની વિગતો રજૂ કરી હતી.બેઠકમાં, કાર્યક્રમની પૂર્વ તૈયારી, વ્યવસ્થા દેખરેખ અને સંકલન માટે રચાયેલી ૨૯ વ્યવસ્થાપન કામગીરી સમિતિઓના અમલીકરણ અધિકારીઓએ તેમની કામગીરીનો અહેવાલ કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી ઉપસ્થિત પદાધિકારીઓ અને કલેકટરશ્રીને વિભાગ દ્વારા કરાયેલ સમગ્ર આયોજનથી માહિતગાર કર્યા હતા.કાર્યક્રમનું આયોજન વધુ સુદૃઢ બને તે હેતુથી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને શ્રી ત્રિકમભાઈ છાંગાએ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ કલેકટરશ્રી આનંદ પટેલે તમામ વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને સમયસૂચકતા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે મુખ્ય સ્ટેજ, મંડપ વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો અને જનમેદની માટે બેઠક વ્યવસ્થા, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાપન, પાર્કિંગ, ટ્રાન્સપોર્ટેશન, આવાસ અને ભોજન, આરોગ્ય વિષયક સેવાઓ, ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફાયર સેફ્ટી, વીજ પુરવઠો, રોડ-રસ્તા સમારકામ, કંટ્રોલ રૂમ અને ઉચ્ચ કક્ષાએ સંકલન સહિતની તમામ વ્યવસ્થાપન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપીને કાર્યક્રમને સફળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું.સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ બેઠકમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાનું સૌભાગ્ય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સીંદુરની સફળતા બાદ આપણા સરહદી જિલ્લાની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે આપણે સૌએ તેમના આગમન માટેની તૈયારીઓ માટે કોઇ કચાસ ન રહે તે દિશામાં કામગીરી કરવી જોઇએ. ઉપરાંત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અને તેમને સાંભળવા માટે સભા સ્થળે આવશે. આ સભામાં પધારનાર કચ્છીઓને કોઇ તકલીફ નહીં પડે તદ્દનુસાર યોગ્ય વ્યવસ્થા થઇ હોવાનું જણાવ્યું હતું.આ બેઠકમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કરીને થયેલ પ્લાનીંગ અનુસાર કામગીરી કરવા સૌ અધિકારીશ્રીઓને કામગીરી કરવા સુચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. શ્રી કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, તેમજ સર્વ પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




