AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં કુમાર કન્યા છાત્રાલય બંધ રાખવામાં આવતા ભારત આદિવાસી સંવિધાન સેનાએ આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આવેલ કુમાર – કન્યા છાત્રાલય બંધ રાખવામાં આવતા વિદ્યાર્થી અને વાલીઓમાં નિરાશા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે આશંકા વર્તાઈ રહી છે.જેને લઇને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેકટરને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવેલ ડાંગ જિલ્લાનાં આદિજાતિ છાત્રાલય માટેનું વર્ષ 2024 25 નું બજેટ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાના આહવા,વઘઈ અને સુબીર ખાતે આવેલ કુમાર કન્યા છાત્રાલય, જે ખાસ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂરી અને મહત્વપૂર્ણ છે, તે લાંબા સમયથી બંધ કરવામાં આવેલ છે. આ સંદર્ભે જિલ્લા શિક્ષણ સમિતિ, આહવા દ્વારા તારીખ 11/03/2024 ના રોજ પત્ર મારફતે છાત્રાલય માટે છાત્રાવાસ મંજૂરી આપવાનું જણાવવામાં આવ્યું છે. છતાં, હજુ સુધી છાત્રાલય શરૂ કરવામાં આવેલ નથી અને વિદ્યાર્થીઓ તેમના રહેવા અને ભણવા માટે નિરાશ થઈ ભટકી રહ્યો છે.આવુ થતા શિક્ષણનો અધિકાર છીનવી લેવાયો છે અને શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થયું છે.તેમજ આ પ્રક્રિયા ક્યાં અટકી છે? કોણ જવાબદાર છે ?અને શા માટે હજુ સુધી કાર્યરત કરવામાં ન આવ્યું તેની સ્પષ્ટતા આપવી જરૂરી છે.ત્યારે આ અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.વધુમાં ડાંગ જિલ્લાની સરહદી આદિજાતિ વસાહતોમાં સંચાલિત આદિજાતિ કન્યા અને કુમાર છાત્રાલયોમાં રસોડાકર્મી, સફાઈ કર્મચારી, રાત્રિયોપદાર અને અન્ય સ્ટાફની વેતન ચુકવણી લાંબા સમયથી બાકી છે.આ અંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આપેલ પત્ર મુજબ વર્ષ 2023-24ના અનુમાન અનુસાર છાત્રાલયનું બજેટ પુરું થઈ ગયેલ છે અને વર્ષ 2024-25 માટેનું બજેટ હજુ સુધી રાજ્ય સ્તરે મંજૂર કરવામાં આવ્યું નથી.ત્યારે આજના સમયમાં જ્યારે શિક્ષણ, પોષણ અને સમાન વિકાસ માટે સૌના મૌલિક અધિકારોની વાત થાય છે, ત્યારે આદિજાતિ છાત્રાલયમાં કાર્યરત મજૂરોને મહિનાઓ સુધી વેતન વગર રાખવાં એ યોગ્ય કહી શકાય એમ નથી જેથી તાત્કાલિક ધોરણે આદિજાતિ છાત્રાલય માટેનું વર્ષ 2024 25 નું બજેટ મંજુર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલાને લઈને ડાંગ જિલ્લા ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેકટરને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ..

Back to top button
error: Content is protected !!