
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી પાસે એસટી બસ ફસાઈ: પુલના નબળા ડાઈવર્ઝન પર મુસાફરો રોષે ભરાયા
શામળાજી યાત્રધામ નજીકના મેશ્વો ડીપ ખાતે એક એસટી બસ નબળા ડાઈવર્ઝન ફસાઈ જતા ભારે અવરજવર સર્જાઈ હતી. મળતી માહિતી પ્રમાણે ભિલોડા થી વડથલી જતી એસટી બસમાં લગભગ ૧૯ મુસાફરો સવાર હતા, જે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા . બસ શામળાજી રેફરલ હોસ્પિટલ નજીકથી પસાર થતી નવીન બનેલા પુલના ડાઈવર્ઝન પર પહોંચી, ત્યારે રસ્તાની નબળી ગોઠવણીના કારણે બસ ત્યાં જ ફસાઈ ગઈ. તાત્કાલિક બસને આગળ ધપાવવાની કોશિશ થઈ, પરંતુ તે નિષ્ફળ રહી, પરિણામે ક્રેન બોલાવવાની ફરજ પડી છે
મુસાફરોમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, પુલના કામ માટે બનાવવામાં આવેલ ડાઈવર્ઝન અત્યંત ખરાબ સ્થિતિમાં છે અને ત્યાં યોગ્ય માર્ગચિહ્નો કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. ઘણા મુસાફરોએ પુલના કોન્ટ્રાક્ટર સામે તીવ્ર આક્ષેપ કરીને જણાવ્યું કે નબળી કામગીરીના કારણે આવા બનાવો સર્જાઈ રહ્યા છે.





