BANASKANTHAGUJARATPALANPUR

આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજી ઉઠશે માઁ અંબેના ભક્તિભર્યા સુરો

11 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના આયોજનને લઈને કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન માઁ અંબેના ભક્તિભર્યા સુર ગુંજી ઉઠશે. અરવલ્લીની ગિરિમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી.જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલએ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જણાવ્યું કે, દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે. જેમાં શ્રધ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા , રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા- સલામતી, પ્રચાર -પ્રસાર સહિતની બાબતોની કલેકટરશ્રી એ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, અંબાજી વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!