તા.૧૫ મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી જાંબુઘોડા ખાતે કરાશે
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે બેઠક યોજાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
આગામી સ્વાતંત્ર્ય દિન (તા.૧૫ મી ઓગસ્ટ)ની પંચમહાલ જિલ્લાકક્ષાની ઉજવણી જાંબુઘોડા તાલુકામાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જાંબુઘોડા ખાતે કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા જણાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમ સ્થળે જરૂરી વિવિધ બાબતો જેમાં બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, માર્ગ-રસ્તા, વીજ કનેકશન તથા ઉજવણી અન્વયે કરવાની થતી વિવિધ કામગીરી સંદર્ભે સંબંધિત કચેરીના અધિકારી કર્મચારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી(ઇન્ચાર્જ) શ્રી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી ઈ.સુસ્મિતા, પ્રાંત અધિકારીશ્રી નીરિલ મોદી સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






