BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજ વંદન

15 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કલેકટરશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી વિવિધ સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ૫૪ કર્મયોગીઓનું કરાયું સન્માન*
પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખનો ચેક કરાયો અર્પણ કલેકટરશ્રી મિહિર પટેલ
‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત બનાસકાંઠાના સરહદી નાગરિકોના જુસ્સાને કલેકટરશ્રીએ વધાવ્યો
અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૬૩૨ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધામની કાયાપલટ થશે ચડોતરું કુરિવાજનો અંત લાવીને, આપણે વેરને બદલે વ્હાલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો કિસાન સન્માન નિધી અંતર્ગત ૨૦માં હપ્તા પેટે જિલ્લાના ૪ લાખ ખેડૂતોને ૮૦ કરોડની સહાય વિતરણ ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કલેકટરશ્રીના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો.જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિનન શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૫૬૨ દેશી રજવાડાંઓનું વિલિનીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દૃઢ નિર્ણાયકતાને દેશ ક્યારેય નહીં ભૂલે! ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચારધારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે.તેમણે જણાવ્યું કે, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશીપણાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે. જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતોથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહિવટીતંત્ર સતત કાર્યરત છે. દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન સાથે લોકો રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયા છે.
સરકારશ્રીએ અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલોપમેન્ટ પ્રોજેકટને મંજુરી આપી છે. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૬૩૨ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે. દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તાજેતરમાં સફળતાપૂર્વક ચલાવેલ ‘ઓપરેશન સિંદૂર’ આજે નવા ભારતની ઓળખ બન્યુ છે. ઓપરેશન સિંદૂર સમયે જવાનોના જુસ્સામાં જોમ પુરવા બદલ સરહદી નાગરિકોને કલેકટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આજે સરહદી જિલ્લાના તમામ ગામોને સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા છે. તેમણે જણાવ્યું કે, દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં ૧૨ વર્ષ પછી પોતાના વતનમાં પરત ફરેલા ૨૯ આદિવાસી પરિવારો માટેનો આ પ્રસંગ ઇતિહાસના પાનાંમાં સોનેરી અક્ષરે લખાશે. ચડોતરું જેવી કુરિવાજનો અંત લાવીને, આપણે વેરને બદલે વહાલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો છે.તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટીથી બનેલ સીમાદર્શન પ્રોજેકટ આજે રાજયની સીમાઓ વટાવી અન્ય રાજયના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જિલ્લાના ખેડૂતોએ કેચ ધ રેઈન અભિયાનને સાર્થક બનાવ્યુ છે. જિલ્લામાં રાજ્ય સરકાર અને બનાસડેરીના સહયોગથી કુલ ૫૦ હજાર રિચાર્જ કુવા પૈકી આજે જિલ્લામાં ૩૦,૦૦૦થી વધારે રીચાર્જ કુવા બનાવવામાં આવ્યા છે. તેમણે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, કિસાન સન્માન નિધી અંતર્ગત તાજેતરમાં જ જિલ્લાના ૪ લાખ ખેડૂતોને ૨૦ માં હપ્તા પેટે ૮૦ કરોડની સહાય ચૂકવાઈ છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા સહિત અરવલ્લીની ગિરિમાળાઓ ફરી લીલીછમ બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તેને ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણયને વધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે જિલ્લાના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ખેડૂતો દ્વારા તેઓના ખેતરમાં બનાવેલ ખેત તલાવડીઓમાં પ્લાસ્ટીક(જીઓમેમ્બ્રેન) પાથરવાનું કામ કરી આપવા માટેની યોજના અમલમાં મુકી છે. વર્ષ ૨૦૨૫ના આયોજનમાં ૨૫૦૦ કરતા વધારે વિવિધ જળ સંચયના કામોનો સમાવેશ કરાયો છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં ૨૪ કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજનું બહુમાન બનાસકાંઠાના મસાલી ગામને મળ્યું છે. જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા ૧૭ જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બદલ તેમણે વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, સૌ સાથે મળી વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થઈને પર્યાવરણનું જતન કરીએ. પાણીનો સંચય કરીએ. વૃક્ષોનું વાવેતર કરીએ. ભારતને વિશ્વની અગ્રિમ અર્થવ્યવસ્થા બનાવવામાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આન,બાન અને શાન સાથે યોજાયેલ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પોલીસ વિભાગ દ્વારા વાહન પ્રદર્શન, ઘોડેસવારી કરતબ, ડોગ શૉ રજૂ કરાયો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રીના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સર્વે ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણા,નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!