ગોધરામાં અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

પ્રતિનિધિ શહેરા તા.29
નિલેશભાઈ દરજી શહેરા 
ગોધરાના અન્નપૂર્ણા ટ્રસ્ટ ખાતે મેગા સર્વરોગ નિદાન અને ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્નપૂર્ણા ટ્રસ્ટ, રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો, પારુલ યુનિવર્સિટીના આયુર્વેદ વિભાગ અને વડોદરાની ખેમચંદ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આ નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. આ શિબિરમાં 100 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો અને આયુર્વેદ પદ્ધતિથી તપાસ કરાવી નિઃશુલ્ક દવાઓ મેળવી હતી.
આ કેમ્પમાં ખેમચંદ હોસ્પિટલના કુંતલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોની એક ટીમે સેવા આપી હતી. આ ટીમમાં ડૉ. દિનેશ પાટીલ, ડૉ. ધ્રિતિ, ડૉ. અનુપ, ડૉ. સાચી, ડૉ. ઉપાસના, ડૉ. લુઈસ, ડૉ. ઈશિકા જૈન, ખુશી પટેલ, ખુશીબેન પટેલ, જયપાલ લબાના, ભાથીન પટેલ અને આસિફ મન્સૂરીનો સમાવેશ થતો હતો. આ તબીબી ટીમે ખૂબ જ સઘનતાથી દર્દીઓની તપાસ કરી તેમને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપી હતી.આ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના સુપુત્ર અને ભાજપના અગ્રણી નેતા માલવરાજસિંહજી રાઉલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ભાજપના પ્રમુખ નિર્મિત દેસાઈ પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. માલવરાજસિંહજી રાઉલજીએ દીપ પ્રગટાવીને કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું અને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શામળાજી આર્ટ્સ કૉલેજના સંસ્કૃતના પ્રોફેસર ડૉ. મધુસૂદન વ્યાસે શ્લોકગાન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગાયત્રી પરિવારના સભ્યો, સમસ્ત બ્રહ્મસમાજ ગોધરાના પ્રમુખ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના કાર્યાલયના મિત્રો રાજેન્દ્રભાઈ દેસાઈ, રજનીભાઈ શાહ, પ્રવીણ પટેલ, દિનેશભાઈ, ગજેન્દ્રભાઈ, અને પ્રભાતભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહના અંતે મધુસૂદનભાઈ જોશીએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પ દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારના લોકોને આયુર્વેદિક સારવારનો લાભ મળ્યો હતો.







