
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*હોકી,આર્ચરી અને એથલેટીક્સ સ્પર્ધામાં સ્ટેટ લેવના વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયાં :*
*જિલ્લા કક્ષાએ હોકી, આર્ચરી, એથ્લેટિક્સ રમતોનું આયોજન કરાયું :*
૨૯મી ઓગસ્ટના રોજ હોકીના જાદુગર ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત કચેરી દ્વારા “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી સાપુતારા ખાતે કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને સાપુતારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષાના “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને જણાવ્યું હતું કે, રમતગમત યુવાનોમાં શિસ્ત, સમર્પણ અને ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહન આપે છે. કલેક્ટરશ્રીએ યુવા રમતવીરોને મેજર ધ્યાનચંદના જીવનમાંથી પ્રેરણા લઈ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સાપુતારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે હોકી અને રસ્સા ખેંચ જેવી વિવિધ રમત-સ્પર્ધાઓ, અને રમતગમતને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોકી રમતની સાથે અન્ય આર્ચરી, એથલેટીક્સ જેવી રમતોને પ્રોત્સાહન આપવા અને યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવા માટે વિવિધ પહેલોની પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે જ ખેલમહાકુંભ- ૨૦૨૫ ના રજીસ્ટ્રેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયા, જિલ્લા આયોજન અધિકારી શ્રીમતી સ્મિતાબેન પટેલ, મહિલા અને બાળ અધિકારી સુશ્રી મનિષા મુલતાની, ચિફ ઓફિસર શ્રી યુ.વી.પટેલ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





