GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા કક્ષાનાં ૭૬મા વન મહોત્સવની સરકારી પોલીટેકનિક ખાતે ઉજવણી કરાઈ

તા.૨/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

“શહેરને “ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ” બનાવીએ”

“જન્મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરીએ” મેયરશ્રી નયનાબેન પેઢડીયા

‘‘મકાન, કાર, સોનુ જેવી ભૌતિક સંપત્તિ જેમ વૃક્ષો વાવી વૃક્ષ સંપત્તિનું ગૌરવ લઈએૈ’’ ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા કક્ષાનાં ૭૬મા વન મહોત્સવની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યભરમાં ૭૬મા વન મહોત્સવની ઉજવણીમાં નાગરિકો જોડાઈને વૃક્ષો વાવી રહ્યાં છે. ત્યારે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા કક્ષાનાં ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયાએ શહેરીજનોને વૃક્ષ વાવી શહેરને ગ્રીન રાજકોટ, ક્લિન રાજકોટ બનાવવા અપીલ કરી હતી. ૭૬ વર્ષથી આપણે વન મહોત્સવનો વારસો જાળવી વૃક્ષો વાવી રહ્યાં છે તેમ મેયરશ્રીએ ઉમેર્યું હતુ. વન મહોત્સવ એ ફક્ત કાર્યક્રમ નથી, પણ જન આંદોલન છે. દરેક નાગરિકે પોતાના જન્મદિવસ, લગ્ન જેવા પ્રસંગોએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ, તેમ મેયરશ્રીએ અપીલ કરતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સાંસ્કૃતિક વન વિકસાવી પર્યાવરણ સાથે વિવિધ સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હરિયાળી ક્રાંતિનાં આ ઉત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યાં છે.

આ તકે ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહએ રાજકોટ શહેર અને જિલ્લામાં વૃક્ષારોપણ બાબતે નાગરિકોમાં વધતી જાગૃતિને બિરદાવી હતી. અને રાજકોટ વન વિભાગ દ્વારા ગત દિવસોમાં ૧.૯૦ લાખ વન કવચ અને રોપાનું વિતરણ, જિલ્લામાં ૧૦ લાખથી વધુ રોપાનું વિતરણ કરી શહેર અને જિલ્લાને ગ્રીન બનાવવા કટિબદ્ધ સામાજિક વનીકરણ વિભાગની સરાહના કરી હતી.

ધારાસભ્યશ્રીએ વધુમાં કહ્યુ કે, વૃક્ષ આપણું જીવન અને પ્રાણવાયુ છે. વૃક્ષોના અઢળક ફાયદા છે. જેમ આપણે મકાન, સોનું, ગાડી, બંગલો વગેરે સંપત્તિનું ગૌરવ લઈએ છીએ, તેમ મારી પાસે પોતાનાં રોપેલા આટલા વૃક્ષોની સંપત્તિ છે તે બદલ વૃક્ષ સંપત્તિનું ગૌરવ લેવા નાગરિકોને અપીલ કરી હતી.

આ તકે મહાનુભાવશ્રીઓએ કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે પર્યાવરણનું મહત્વ સમજાવતા સ્ટાફને વૃક્ષનાં રોપાથી સન્માનિત કર્યા હતા.

કાર્યક્રમનાં અંતે મહાનુભાવશ્રીઓએ વૃક્ષારોપણ કરી વૃક્ષ વાનને લીલી ઝંડી બતાવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા,ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, દંડકશ્રી મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ પ્રમુખશ્રી માધવભાઈ દવે, ફાર્મસી કોલેજનાં ડૉ.અશ્વિનકુમાર દુધરેજિયા સહિત મહાનુભાવશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ તકે કોલેજની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતુ. સરકારી પોલીટેકનિકના આચાર્યશ્રી એ. એસ. પંડ્યાએ સ્વાગત પ્રવચન તેમજ એસીએફશ્રી ગઢવીએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

Back to top button
error: Content is protected !!