નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાની પ્રથમ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા કલેકટરશ્રી જે. એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, થરાદ ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ નવનિર્મિત વાવ- થરાદ જિલ્લાની આ પ્રથમ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓને આવકારીને બેઠકની કામગીરી શરૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વાવ થરાદ જિલ્લા માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા માટે ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા, અધિક જિલ્લા કલેક્ટરશ્રી ટી.કે.જાની સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.