
વાત્સલ્યમ સમાચાર
નવસારી
*જલાલપોર તાલુકાના ડાલ્કી એપ્રોચ રોડ, વેસ્મા એપ્રોચ રોડ, કરાખત એપ્રોચ રોડ અને મરોલી એપ્રોચ રોડ જેવા ૨.૯ કિ.મી. ના મુખ્ય જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગોમાં ડામરની કામગીરીનો વિધિવત પ્રારંભ*
*તાલુકા વિકાસમાં આ માર્ગ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે*
નવસારી,તા.૦૨: માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારીના કાર્યક્ષેત્ર હેઠળ જલાલપોર તાલુકામાં આવેલા મહત્વના રસ્તા જેવા કે ડાલ્કી એપ્રોચ રોડ, વેસ્મા એપ્રોચ રોડ, કરાખત એપ્રોચ રોડ અને મરોલી એપ્રોચ રોડ જેવા ૨.૯ કિ.મી. ના મુખ્ય જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગોમાં ડામરની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. તાલુકાના કક્ષાના વિસ્તારો સહિત અનેક માર્ગોના વિકાસ માટે લાંબા સમયથી નાગરિકોમાં અપેક્ષા હતી, જેને પૂર્ણ કરવા સરકારશ્રી દ્વારા ખાસ ધ્યાન અપાયુ છે. આ કામગીરીથી સ્થાનિક પરિવહનમાં આવશ્યક સુધારો આવશે અને દૈનિક અવરજવર વધુ સરળ બનશે.
આ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૯૫.૦૦ લાખના બજેટની મંજુરી અપાઈ છે. જે તાલુકા માટે એક અત્યંત મહત્વપૂર્ણ વિકાસ પગલું છે. મંજૂરી મુજબ સમગ્ર કાર્યમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે અને દરેક તબક્કે તાંત્રિક ચકાસણી પણ કરવામાં આવી રહી છે. સરકારે આ પ્રોજેક્ટને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સ્પષ્ટ દિશા આપી છે જેથી નાગરિકોને વહેલી તકે તેનો લાભ મળી શકે.
ડામર કામગીરી પૂર્ણ થયા પછી રસ્તાઓ વધુ સમતલ, સુરક્ષિત અને વાહન ચાલકો માટે અનુકૂળ બની રહેશે. ટ્રાફિક પ્રવાહમાં સુધારો આવશે, અકસ્માતોની શક્યતાઓ ઘટશે તેમજ ભારે વાહનોની અવરજવર પણ સરળતાથી થઈ શકશે. વિકાસ પામેલા માર્ગોથી કાંઠા વિસ્તારના નાગરિકોને નવસારી શહેર સાથે વધુ ઝડપથી અને સરળતાથી જોડાઈ શકશે.
આ માર્ગ સુવિધાઓના કારણે વેપાર, શિક્ષણ અને આરોગ્ય જેવી જુદી જુદી સેવાઓ સુધી પહોંચ વધુ સરળ બનશે. પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને સમય તથા ઇંધણની બચત થવાથી લોકોના દૈનિક જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે. તાલુકાના વિકાસમાં આ માર્ગ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
સરકાર અને માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નવસારીના સંયુક્ત પ્રયાસોથી જલાલપોર તાલુકાની પરિવહન સુવિધાઓને નવી ગતિ અને દિશા મળશે. આ પ્રોજેક્ટ સમયસર અને ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સતત દેખરેખ નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે જેથી સમગ્ર વિસ્તારને લાંબા ગાળાના લાભ મળી શકશે.




