
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાની મહિલા પરીક્ષાર્થીની ફરિયાદ પર સરકારની ‘સુપર ફાસ્ટ’ કાર્યવાહી: ૨૪ કલાકમાં રિફંડ સાથે લેખિત નિકાલ આવતા એસ.ટી. તંત્રની પ્રશંસા
રતાડીયા,તા.24: ગુજરાત સરકારની સંવેદનશીલતા અને વહીવટી તંત્રની ઝડપી કાર્યશૈલીનો કિસ્સો મુન્દ્રામાં પ્રકાશમાં આવ્યો છે. ટેટની પરીક્ષા આપવા જતી મહિલા મુસાફરોની એસ.ટી. બસ રદ થવા બાબતે થયેલી ફરિયાદનો એસ.ટી. નિગમે માત્ર ૨૪ કલાકમાં સકારાત્મક નિકાલ લાવીને સરાહનીય કામગીરી કરી છે.
વિગત મુજબ મુંદરા – ગાંધીનગર સ્લીપર કોચમાં ગત તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ મુસાફરી કરવા માટે રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તીતીક્ષાબેન ઠક્કર સહિત અન્ય પરીક્ષાર્થીઓએ ૧૦ દિવસ અગાઉ બુકિંગ કરાવ્યું હતું. જોકે યાંત્રિક ખામીને કારણે બસ રદ થતા મુસાફરો અટવાયા હતા. આ અંગે તીતીક્ષાબેન દ્વારા મુખ્યમંત્રીશ્રી અને એસ.ટી. વિભાગના નિયામકને ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી.
ફરિયાદના પગલે અમદાવાદ મધ્યસ્થ કચેરી અને ભુજ વિભાગીય કચેરી ત્વરિત એક્શનમાં આવી હતી. વિભાગીય નિયામકશ્રી ભુજ દ્વારા ૧ દિવસમાં જ યોગ્ય કાર્યવાહી કરી મુસાફરોને ટિકિટના નાણાં ઓનલાઈન રિફંડ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મુન્દ્રા ડેપો મેનેજરને કડક સૂચના આપી લેખિતમાં પત્ર પાઠવ્યો હતો. સરકારની આ ત્વરિત અને પારદર્શક કાર્યવાહી બદલ તીતીક્ષાબેન ઠક્કરે મુખ્યમંત્રીશ્રી અને એસ.ટી. વિભાગનો આભાર માની સંતોષ વ્યક્ત કર્યો છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



