THARADVAV-THARAD

ઓર્ગેનિક ખેતી માટે નવી દિશા: કેવીકે થરાદ ખાતે વિસ્તૃત ઓર્ગેનિક સર્ટિફિકેશન તાલીમ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

ખેડૂતોમાં સજીવ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ ઓર્ગેનિક સર્ટિફિકેશન અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને નાયબ ખેતી નિયામક (તાલીમ), વાવ–થરાદના સંયુક્ત ઉપક્રમે તા. ૦૫/૦૧/૨૦૨૬ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદ ખાતે ઓર્ગેનિક સર્ટિફિકેશન વિષયક વિસ્તૃત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં વાવ–થરાદ જિલ્લાના સજીવ તથા પ્રાકૃતિક ખેતી કરતા તેમજ તેમાં રસ ધરાવતા આશરે ૧૩૫ જેટલા પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન કૃષિ મહાવિદ્યાલય, થરાદના આચાર્યશ્રી ડૉ. આર. એલ. મીણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. એસ. એચ. માલવે તથા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર, વાવ–થરાદ શ્રી એચ. જે. જિંદાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCA) ના ક્વોલિટી મેનેજર શ્રી રવિભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા ખેડૂતોને સજીવ ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, ઓર્ગેનિક ખેતી માટે જરૂરી પદ્ધતિઓ, ઇનપુટ્સ, રેકોર્ડ જાળવણી તેમજ ઓર્ગેનિક સર્ટિફિકેશન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે સર્ટિફિકેશન દરમિયાન ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો, ચકાસણી પ્રક્રિયા તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત થયા બાદ થતા લાભો વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમના અધ્યક્ષશ્રી ડૉ. આર. એલ. મીણાએ ખેડૂતોને રસાયણિક ખેતી છોડીને સજીવ તથા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાની અપીલ કરી હતી. કેવિકેના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. એસ. એચ. માળવેએ તેમના સંબોધનમાં પ્રાકૃતિક ખેતીના મૂળભૂત આયામો જેમ કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા, મિશ્ર પાકપદ્ધતિ તથા વિવિધ અસ્ત્રો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એચ. જે. જિંદાલે સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં રહેલી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના વૈજ્ઞાનિકો ડૉ. વી. કે. પટેલ, ડૉ. એસ. ડી. ચુડાસમા, ડૉ. પી. કે. પટેલ તેમજ આત્માના પી.ડી. ગલસાર, એટીએમ, બીટીએમ અને પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડના જિલ્લાના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અંતે હાજર ખેડૂતોના ઓર્ગેનિક સર્ટિફિકેશન સંબંધિત પ્રશ્નોનુ નિષ્ણાતો દ્વારા નિરાકરણ કરવામાં આવેલ. છેલ્લે ખેડૂતોના પ્રતિભાવ અનુસાર આ પ્રકારની તાલીમથી ખેડૂતોમાં સજીવ તથા પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધશે અને વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી હતી.

 

Back to top button
error: Content is protected !!