છોટાઉદેપુરમાં જી રામજી 2025 યોજનાનો પ્રચાર, મનરેગામાં 125 દિવસ રોજગારીની જાહેરાત
છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે જી રામજી યોજના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારીમંત્રી મનિષાબેન વકીલ, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તથા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિ રહી હતી.
આજરોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ પ્રેસવાર્તામાં વિકસિત ભારત અને રોજગાર-આજીવિકા મિશન એટલે કે જી રામજી 2025 યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રેસવાર્તામાં જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ અગાઉના 100 દિવસની જગ્યાએ હવે 125 દિવસની રોજગારી આપવામાં આવશે. સાથે જ અગાઉ 15 દિવસે કરવામાં આવતી ચૂકવણીના બદલે હવે દર અઠવાડિયે ચૂકવણી કરવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.
આ યોજનાના અમલથી ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો મળશે, તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર તોસીફ ખત્રી





