થરાદના આંગણે ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક સફળતા બાદ વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા કર્મવીરોનું સન્માન કરાયું

*થરાદના આંગણે ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક સફળતા બાદ વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા કર્મવીરોનું સન્માન કરાયું
*થરાદમાં પ્રજાસત્તાક પર્વને સફળ બનાવનાર કર્મવીરોનો અભિવાદન સમારોહ યોજાયો: ‘ટીમ વાવ-થરાદ’ના સેવાકીય અભિગમની અધ્યક્ષશ્રીએ કરી સરાહના*
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
*સરહદી વિસ્તારમાં જનતા અને તંત્રના સંકલનથી રાષ્ટ્રીયતાનો અનેરો ઉત્સાહ પ્રગટ્યો: વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી*
નવનિર્મિત વાવ – થરાદ જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક આયોજનને સફળ બનાવવામાં પાયાનું યોગદાન આપનાર કર્મવીરોનો અભિવાદન કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે પ્રજાજનો વતી જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે થરાદ જેવા સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી શક્ય બની છે. સમગ્ર વાવ અને થરાદ પંથકમાં રાષ્ટ્રીયતાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં તમામ નાગરિકો અને કર્મયોગીઓ ઉમળકાભેર સહભાગી બન્યા હતા.
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, તમામ વિભાગે જનતા સાથે મળીને જે સુંદર સંકલન અને સુરક્ષા વ્યવસ્થા જાળવી છે તે કાબિલેદાદ છે. દરેક કર્મયોગીએ અત્યંત નિષ્ઠા અને સ્મિત સાથે પોતાની ફરજ બજાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. રાજ્ય કક્ષાએથી પણ આ સુંદર આયોજન માટે વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરવામાં આવી છે. ખાસ કરીને આ પર્વમાં મહિલાઓની સહભાગીતા વધુ હતી તથા શસ્ત્ર પ્રદર્શન વિશેષરૂપે યુનિક હતું. વાવ – થરાદના નાગરિકોએ સરકારી ઇમારતો સિવાય પોતાની પ્રાઇવેટ બિલ્ડિંગમાં પણ રોશની કરી હતી અને રાત્રિના સમયે આખું થરાદ રોશનીથી ચમકતું હતું.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, ટીમ વાવ – થરાદે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને આ અવિરત કામગીરી થકી વાવ – થરાદ જિલ્લાને દેશનો અગ્રિમ જિલ્લો બનાવવા માટે સૌ કોઈએ સાથે મળીને કામ કરવાનું છે. જિલ્લામાં સૌર ઉર્જા, જળ સંચય, શિક્ષણ, આરોગ્ય, ધંધા – રોજગાર સહિત દરેક ક્ષેત્રે જિલ્લો આગળ વધે તે દિશામાં કામ કરવાનું છે. લોકોના ભલા માટે આપણે આગળ આવીને કામ કરવાનું છે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ્ દુઃખભાગ્ ભવેત્ ભાવના સાથે આગળ વધવું જોઈએ તેમણે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વાવ – થરાદ જિલ્લા કલેક્ટરશ્રી જે. એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને વિશેષ પ્રયાસોના પરિણામે જ જિલ્લાને આટલા મોટા પાયે રાજ્ય કક્ષાના આયોજનની તક મળી છે. આ પર્વમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જે વહીવટી તંત્રની સફળતાનું પ્રમાણ છે.
કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રીએ તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવતા કહ્યું કે, દરેક સ્તરના કર્મયોગીઓએ પોતાની ફરજ ઉત્તમ રીતે નિભાવી છે. આ ભવ્ય સફળતા એ ટીમ વાવ-થરાદના અદભૂત સંકલન અને પરિશ્રમનું પરિણામ છે. ખાસ કરીને ટેક્નિકલ ટીમ અને પાયાના કર્મચારીઓએ જે નિષ્ઠા દાખવી છે, તેના કારણે જ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો છે. આ આયોજનની સફળતાએ થરાદ પંથકની જનતામાં વહીવટી તંત્ર પ્રત્યે અતૂટ વિશ્વાસ જગાડ્યો છે.
અધ્યક્ષશ્રીના સતત માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં નવા જિલ્લાના નિર્માણ અને વિકાસ માટે આ જ ઉત્સાહ સાથે સતત કાર્યરત રહેવા કલેક્ટરશ્રીએ આહવાન કર્યું હતું. આ અવસરે તમામ કર્મયોગીઓને તેમની પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વાવ – થરાદ જિલ્લા પોલીસ વડાશ્રી ચિંતન તેરૈયા દ્વારા સ્વાગત – પ્રવચન કરાયું હતું.




