GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “ટી.બી. હારેગા, દેશ જીતેગા” રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં ક્ષયના ૧૪૮૭ દર્દીઓને એક વર્ષમાં રૂ. ૭૬ લાખ ૧૭ હજારની સહાય

તા.૨/૨/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : માર્ગી મહેતા

જિલ્લા ક્ષય કેન્દ્રની પહેલ : સેવાભાવીઓના સહયોગથી સાત દિવસમાં ૨૨૨ દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ

‘નિક્ષય મિત્ર’ બનીને ક્ષય નાબૂદી અર્થે યોગદાન આપવા અનુરોધ

ક્ષય એ આરોગ્ય અને આર્થિક સ્થિતિ પર ઊંડી અસર કરતો પડકારરૂપ રોગ છે. આ પડકારને પહોંચી વળવા માટે ભારત સરકાર ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના ધ્યેય સાથે મક્કમતાથી આગળ વધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા ક્ષય નિર્મૂલન માટે આધુનિક સારવાર, સમયસર નિદાન અને દર્દીઓની વિશેષ દેખરેખ પર ભાર મૂકવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી ટી.બી. વિશે જાગૃતિ ફેલાવવા અને ક્ષયને સામાજિક કલંકને સ્થાને એક સાધ્ય રોગ તરીકે જોવામાં આવે, તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી, ટી.બી. મુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરી શકાય.

કેન્દ્ર સરકાર દ્વારા ‘ક્ષયમુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા તથા આર્થિક સહાય કરવા ‘નિક્ષય પોષણ યોજના’ હેઠળ દર્દીઓને સારવાર દરમિયાન દર માસે રૂ. એક હજાર આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન રાજકોટ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના કુલ ૧૪૮૭ ક્ષયના દર્દીઓને કુલ રૂ. ૭૬ લાખ ૧૭ હજારની સહાય પૂરી પાડવામાં આવી છે. આર્થિક સહાય સીધી દર્દીઓના ખાતામાં જમા કરવામાં આવે છે. જેથી, તેઓ તેમની સારવાર દરમિયાન પોષણ અને દવાઓનો ખર્ચ ઉઠાવી શકે. સરકારની આર્થિક મદદ દર્દીઓને બીમારી સામે લડવાનું બળ આપે છે અને તેમની સાજા થવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ઘનશ્યામભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી.ની સારવારમાં પોષણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ‘નિક્ષય મિત્ર સપ્તાહ’ની પહેલ શરૂ કરવામાં આવી હતી. ગત તા. ૧૯થી ૨૭ જાન્યુઆરી દરમિયાન વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓના સહયોગથી ૨૨૨ દર્દીઓને પોષણ કિટ આપવામાં આવી હતી. જેમાં શ્રી નરેન્દ્રભાઈ શેઠ દ્વારા પડધરી સરકારી હોસ્પિટલ અને નારણકા પ્રાથમિક આરોગ્ય ખાતે ૪૫ દર્દીઓ, લાયન્સ ક્લબ ઓફ રાજકોટ પ્રાઈડ દ્વારા નંદનવન આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શાપર-વેરાવળ ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ૬૨ દર્દીઓને ન્યુટ્રીશન કિટ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, શક્તિમાન ગ્રુપે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ૩૦ દર્દીઓને તો, જેતપુર લાયન્સ ક્લબે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ૨૫ દર્દીઓને પોષણ કિટ આપી હતી, તેમજ રાજકોટ જિલ્લા આરોગ્ય કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન, શ્રી મોનાબેન, શ્રી કોમલબેન ઠક્કર સહિતનાં દાતાઓએ આગળ આવીને ૬૦ દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ પહોંચાડી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોષણક્ષમ આહારની કિટમાં મગ, ચણા, સોયાબીન, રાજમા, મગ દાળ, ચણા દાળ, તુવેર દાળ, સીંગદાણા, ખજૂર, ગોળ, દાળીયા અને ચોખા સહિત ધાન્યનો સમાવેશ કરવામાં આવે છે.

આમ, ‘ક્ષયમુક્ત ભારત’ અભિયાન જનભાગીદારીનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. જો સેવાભાવી લોકો ક્ષયના દર્દીઓના પોષણની નૈતિક જવાબદારી સ્વીકારે, તો આપણે ઝડપથી ક્ષયની બીમારીને નાબૂદ કરી શકીએ. સરકાર, સેવાભાવી સંસ્થાઓ અને જાગૃત નાગરિકોના સહયોગથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ટી.બી. મુક્ત ભારતનું સપનું સાકાર થઈ શકે છે. ત્યારે આવો, www.nikshay.in પર નોંધણી કરીને ‘નિક્ષય મિત્ર’ બનીએ અને દેશમાંથી ક્ષયને નાબૂદ કરવામાં યોગદાન આપીએ.

Back to top button
error: Content is protected !!